Book Title: Dravya Gun Paryaya no Ras Part 2
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
ઢાળ-૧૫મીના દુહા : ગાથા-૪-૫
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ આવા પ્રકારના જ્ઞાન પરિણામથી આત્માની પરિણતિ એટલી બધી નિર્મળ થયેલી હોય છે કે તેનાથી કર્મોનો ક્ષય, આશ્રવોનો નિરોધ એવો વ્યાપક બને છે કે તેવાં કર્મોનો બંધ કે આશ્રવોનો યોગ ફરી જીવનમાં પાંગરતો જ નથી. જેમ મૃત્યુ પામેલાં દેડકાંઓનો અગ્નિદાહ કરીને “રખ્યા” કરી હોય તો તેમાં ફરીથી પાણીનો પ્રવાહ આવે તો પણ દેડકાં ઉત્પન થતાં જ નથી. ફરીથી ડ્રાઉં ડ્રાઉં કરવાનો તો સવાલ જ રહેતો નથી. આ રીતે વિચારતાં ક્રિયામાર્ગ પ્રવૃત્તિને સુધારનાર છે. અને જ્ઞાનમાર્ગ પરિણતિને સુધારનાર છે. એક આગીયા સમાન છે. બીજો સૂર્ય સમાન છે. એક દેડકાંના ચૂર્ણસમાન છે. બીજો દેડકાંની રખ્યાતુલ્ય છે.
- જો કે જીવનમાં બન્નેની જરૂરિયાત છે. રથના બે પૈડા જેવો આ ક્રિયામાર્ગ અને જ્ઞાનમાર્ગ છે. જેમ ગામનો માર્ગ જાણે પણ રથ ન ચલાવે તો પણ સામે ગામ ન પહોંચે, અને રથ ચલાવ્યા જ કરે પણ માર્ગ ન જાણે તો પણ સામે ગામ ન પહોંચે, પાણીમાં તરવાની કળા જાણનારો માણસ પણ પાણીમાં પડ્યા પછી હાથપગ ન હલાવે તો પણ ન કરી શકે અને તરવાની કળા ન જાણનારો માણસ ગમે તેટલા હાથ પગ હલાવે તો પણ ન તરી શકે ઈત્યાદિ ઉદાહરણોથી આત્મકલ્યાણ કરવામાં બનેની યથાસ્થાને જરૂરિયાત છે. તો પણ બન્નેની વચ્ચે આટલું અંતર છે. નિર્મળ પરિણતિ વિનાના કેવળ શાસ્ત્રપાઠ માત્રથી જ્ઞાની બની ચુકેલા એવા જ્ઞાનવાદી લોકો ક્રિયામાર્ગને “જડક્રિયા” કહીને અને ક્રિયાવાદી લોકો જ્ઞાનમાર્ગને “શુષ્કજ્ઞાન” કહીને ભાંડે છે. તે એકાન્તમાર્ગનું મિથ્યા અભિમાન જાણવું. લોકોની આવી પ્રવૃત્તિ દેખીને સંત પુરુષોને દયા ઉપજે છે. શ્રીમદ્ રાજચંદ્રજીએ તેમની બનાવેલી આત્મસિદ્ધિ ગાથા ૩ માં કહ્યું છે કે
કોઈ ક્રિયાજડ થઈ રહા, શુષ્કશાનમાં કોઈ | માને મારગ મોક્ષનો, કરુણા ઉપજે જોઈ” છે. ૧૫-૪ ||
આ જ ભાવાર્થને સમજાવનારો આશય શ્રીહરિભદ્રસૂરિજીએ યોગદૃષ્ટિ સમુચ્ચયની ગાથા ૨૨૩માં કહ્યો છે.
“તાત્વિક તત્ત્વસંબંધી પક્ષપાત, (એટલે કે જ્ઞાનમાર્ગ), અને ભાવશૂન્ય એવો જે ક્રિયામાર્ગ છે. આ બન્નેની વચ્ચે અંતર સૂર્ય અને ખદ્યોત (આગીયા) સમાન જાણવું. (શ્રીયોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા ૨૨૩) તથા શ્રી ઉપદેશ રહસ્યની ગાથા સાતમીમાં પણ આ જ ભાવાર્થ જણાવ્યો છે. કે “ક્રિયામાત્રજન્ય કર્મક્ષય દેડકાંના ચૂર્ણસમાન જાણવો. અને જ્ઞાન વડે કરાયેલો ક્લેશનો (કર્મોનો) ક્ષય તે દેડકાંની બળેલી રખ્યા સમાન જાણવો.”