________________
૪૩૪
ઢાળ૯ : ગાથા-૧૭
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
પ્રત્યેક ક્ષણે શેયને જાણવા સ્વરૂપે ઉપયોગ બદલાય છે. તે માટે) વ્યતિરેક એટલે કે પ્રતિક્ષણે અન્ય અન્યપણે ભેદ પામે છે અર્થાત્ ઉપયોગ આશ્રયી પરિવર્તન છે માટે ત્યાં પણ ઉત્પાદ-વ્યય રહેલા છે. તથા ધ્રૌવ્ય તો સ્પષ્ટ છે જ.
મુક્તિગમનના પ્રથમસમયે જગત્ સર્વે પદાર્થોને સિદ્ધ પરમાત્માનું કેવલજ્ઞાન કેવલદર્શન જે જાણે છે અને જુએ છે તે જોવા-જાણવાપણું તે સમયે વર્તમાનરૂપે છે તેથી તેનો વર્તમાનપણે ઉત્પાદ છે. પરંતુ જ્યારે દ્વિતીયક્ષણ આવે છે. ત્યારે આ જ જોવા-જાણવાપણાના પર્યાયનો વર્તમાનાકારે નાશ થઈ જાય છે. કારણ કે હવે તે વર્તમાનરૂપે રહ્યો નથી. અને અતીતાકાર રૂપે ઉત્પાદ થાય છે. કારણ કે પ્રથમક્ષણે જે જોવા-જાણવાપણાનો પર્યાય હતો તે હવે દ્વિતીયક્ષણે વર્તમાન મટી જઈને અતીતરૂપે બન્યો છે. તેથી તેનો અતીતરૂપે ઉત્પાદ થાય છે અને વર્તમાનરૂપે નાશ પામે છે. ત્રીજા ક્ષણે પ્રથમક્ષણનો જોવા જાણવાપણાનો પર્યાય એકસમયના અતીત પણે નાશ પામે છે અને બે સમયના અતીતપણે ઉત્પન્ન થાય છે આમ પ્રતિસમયમાં વ્યતિરેકપણું થવાથી એટલે કે સમયે સમયે કાલ આશ્રયીને અન્ય અન્ય સ્વરૂપે આ પર્યાય બદલાતો જતો હોવાથી ત્યાં પણ ત્રણ લક્ષણ હોય છે.
આ વાત સમજવા માટે એક માળાનું ઉદાહરણ લઈએ. માળા ગણતા હોઈએ, ત્યારે કોઈ એક જ મણકો ગણીએ તો પણ સર્વે મણકાઓમાં વ્યય ઉત્પાદ થાય છે. જેમ કે ૫૦મો એક મણકો ગણીને નીચે ઉતારીએ, ત્યાં તો ગણેલા ૧ થી ૪૯ મણકામાં નંબર બદલાઈ જવાથી તેમાં પણ વ્યય-ઉત્પાદ થયા. અને ભાવિમાં ગણાવાવાળા ૫૧ થી ૧૦૮ મણકામાં પણ એકની સંખ્યા ઘટી જવાથી તે સર્વેમાં પણ નંબર બદલાયા હોવાથી વ્યય ઉત્પાદ થયા. તે જ પ્રમાણે સિદ્ધાવસ્થામાં કેવલજ્ઞાન-કેવલદર્શન આદિમાં જાણવું.
इम આ રીતે પર્યાયર્થિકનયથી વિચારણા કરતાં અને તેમાં પણ સૂક્ષ્મઋજુસૂત્રનયથી વિચારણા કરતાં સિદ્ધ પરમાત્માને પણ ત્રણ લક્ષણ થાય છે. આજ વાત વધારે સ્પષ્ટ કરે છે.
=
प्रथमादिसमयई वर्तमानाकार छई, तेहनो द्वितीयादिक्षणई नाश, अतीताकारइं उत्पाद, आकारिभावइं- केवलज्ञानकेवलदर्शन भावई अथवा केवलमात्रभावई ध्रुव, इम भावना करवी.