________________
૪૭૮
ઢાળ-૧૦ઃ ગાથા-૩ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ૨. જીવ-અજીવ- છ દ્રવ્યોની અંદર એક જીવ દ્રવ્ય જ જીવ સ્વરૂપ છે. બાકીનાં પાંચે દ્રવ્યો ચેતના વિનાનાં હોવાથી અજીવ સ્વરૂપ છે.
૩ મૂર્તિ-અમૂર્ત- જે દ્રવ્યમાં વર્ણ ગંધ રસ અને સ્પર્શ હોય તે મૂર્તિ કહેવાય છે. અને જેમાં વર્ણાદિ ગુણો ન હોય તે અમૂર્ત કહેવાય છે. છ દ્રવ્યોમાં એક પુલાસ્તિકાયદ્રવ્ય જ વર્ણાદિગુણવાળું હોવાથી મૂર્તિ છે. બાકીનાં પાંચદ્રવ્યો વર્ણાદિ વિનાનાં હોવાથી અમૂર્ત છે. મૂર્ત એટલે રૂપી અને અમૂર્ત એટલે અરૂપી પણ કહેવાય છે. જીવદ્રવ્ય શરીરધારી હોવાથી વ્યવહારનયથી મૂર્ત કહેવાય છે. નિશ્ચયનયથી અરૂપી જાણવો.
૪ સપ્રદેશ-અપ્રદેશ- જે જે દ્રવ્યોના નિર્વિભાજ્ય ભાગો (એટલે જેના ફરી બે ખંડ ન થાય તેવા ભાગો) બુદ્ધિથી કરી શકાય તે દ્રવ્યો સપ્રદેશી (પ્રદેશવાળાં) કહેવાય છે. અને જે દ્રવ્યના આવા પ્રકારના પ્રદેશો ન થાય તે અપ્રદેશી કહેવાય છે કાલ વિનાનાં બાકીનાં પાંચ દ્રવ્યો સપ્રદેશ છે. અને કાલદ્રવ્ય અપ્રદેશ છે.
૫ એક-અનેક- જે જે દ્રવ્યો સંખ્યામાં એક જ હોય તે એક અને જે દ્રવ્યો ઘણાં હોય તે અનેક. આ છ દ્રવ્યોમાં ધર્મ-અધર્મ અને આકાશ આ ત્રણ દ્રવ્યો સંખ્યામાં એક છે. અને જીવ-પુદ્ગલ તથા કાલ આ ત્રણ દ્રવ્યો સંખ્યામાં અનંત છે તેથી અનેક છે.
૬ ક્ષેત્ર-ક્ષેત્રી (અક્ષેત્ર) = જે આધારભૂત દ્રવ્ય હોય, બીજા દ્રવ્યોને પોતાનામાં રાખતું હોય તે ક્ષેત્રદ્રવ્ય કહેવાય છે. અને જે આધેયભૂત દ્રવ્ય હોય, ક્ષેત્રભૂતદ્રવ્યના આધારમાં જે રહેતાં હોય તે રહેનારાં દ્રવ્યોને ક્ષેત્રી કહેવાય છે. આકાશદ્રવ્ય ક્ષેત્ર છે. કારણ કે તે પોતાનામાં સર્વદ્રવ્યોને રાખે છે, સર્વદ્રવ્યોનો તે આધાર છે. તે પોતે કોઈમાં રહેતુ નથી. બાકીનાં પાંચે દ્રવ્યો આકાશમાં વર્તે છે. માટે શેષ પાંચદ્રવ્યો ક્ષેત્રી છે. અહીં એક વાત ખાસ જાણવા જેવી છે કે બધી વસ્તુ કાલે કાલે થાય છે આવું ઘણીવાર બોલાય છે. ન્યાય-વૈશેષિક દર્શનમાં વાઃ સર્વથાર: આવું વાક્ય આવે છે. એટલે કાલમાં સર્વ વસ્તુ રહે છે. આમ લાગે છે. પરંતુ હકીકતથી વિચારીએ તો કાલ એ કોઈ વાસ્તવિક દ્રવ્ય નથી. તેથી કાલ એ આધારભૂત દ્રવ્ય નથી. જીવ-પુદ્ગલાદિ દ્રવ્યોની જે વર્તના નામનો પર્યાય છે તેને જ કાલ કહેવાય છે. એટલે કે પર્યાયમાં દ્રવ્યનો ઉપચાર કરવામાં આવ્યો છે માટે કાલ આધારભૂત દ્રવ્ય ન હોવાથી તેને ક્ષેત્ર સ્વરૂપ કહ્યું નથી. જીવ-પુદગલાદિ દ્રવ્યો આધેય હોવાથી ક્ષેત્રી કહેવાય છે. તેથી તેના પર્યાયભૂત કાલદ્રવ્ય પણ આકાશમાં વર્તમાન માનીને ક્ષેત્રી કહ્યું છે.