Book Title: Dravya Gun Paryaya no Ras Part 2
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
જ્ઞાનદીપનાં અજવાળા
૨૨/૨
ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મ. માત્ર જૈન નભોમંડળનાં જ નહીં પરંતુ સમગ્ર ભારતીય દાર્શનિક પરંપરાના નભોમંડળના તેજસ્વી સિતારા છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજીની જ્ઞાન સાધનાની સૂચિ જોતાં કોઈને પણ આશ્ચર્ય ઉપજે. અનેક વિષયોનું સૂક્ષ્મ જ્ઞાન અને અનેક વિષયોનું મૂલાવગાહી જ્ઞાન, પંડિતો અને વિદ્વાનોને મુગ્ધ કરી દે તેવું છે. આશ્ચર્ય ઉપજાવે તેવું છે. આવી અનેરી વિદ્વત્તા ધરાવતા ઉપાધ્યાયજીની એક વિશિષ્ટ વિશેષતા સહુ કોઈને આશ્ચર્ય ઉપજાવે તેવી છે તે તેમની ગુજરાતી ભાષામાં સરળ અને સહજ શૈલીમાં રચવામાં આવેલી કૃતિઓ. ગહનતમ વિષયોને પણ સરળ-ગેમ-ગુજરાતી ભાષામાં લખવાની તેમની કળા અદ્ભુત છે. દર્શનનો વિષય અત્યંત શુષ્ક ગણાય, સામાન્યજનને કંટાળો ચડે તેવી વાતો જેમાં કરવામાં આવી હોય, તર્કની તિક્ષ્ણતા અને વિચારોની જટિલતા સામાન્ય જનને થકવી નાંખે તેવી હોય તેમ છતાં તેવી ગંભીર વાતોને ગુજરાતી સરળ ભાષામાં રચવાની કળાને લીધે પણ ગુજરાત સદાય ઉપાધ્યાયજીનું ઋણી રહેશે. ૧૨૫, ૧૫૦, ૩૫૦ ગાથાના સ્તવનોમાં પણ સૈદ્ધાંતિક વિષયને ખૂબ જ સુંદર રીતે વર્ણવ્યો છે. નિશ્ચયવ્યવહારનયની વાતને સરળ ભાષામાં પ્રસ્તુત કરી છે. જૈનદર્શનના નયને સમજાવવા તેમણે દ્રવ્ય-ગુણ પર્યાયના રાસ” નામની આ ગુજરાતી કૃતિ રચી છે.
ઉપા. યશોવિજયજીએ નય સિદ્ધાંતને સ્પષ્ટ કરવા સંસ્કૃત ભાષામાં જ ત્રણ કૃતિઓ રચી છે. તે ઉપરાંત સ્યાદ્વાદ કલ્પલતા, અષ્ટસહસીતાત્પર્ય વિવરણ અને ન્યાયખંડન ખંડ ખાદ્યમાં નયોની ચર્ચા પ્રચુર માત્રામાં કરી છે. નય ઉપર તેમનું ચિંતન આશ્ચર્ય ઉપજાવે તેવું છે. આથી જ કહેવાયું પણ છે કે ઉપાધ્યાય શ્રી યશોવિજયજીની વાણી એક પણ નયથી અધૂરી નથી. અર્થાત્ સંપૂર્ણ નયોથી ભરપૂર છે. નયનો સિદ્ધાંત જૈન ધર્મનો વિશિષ્ટ સિદ્ધાંત છે. વર્તમાનકાળે નૈગમાદિ સાત નો શ્વેતાંબર અને દિગંબર પરંપરાઓમાં સુપ્રસિદ્ધ છે. પરંતુ પૂર્વકાળે સાતસો નયોની પરંપરા પણ પ્રચલિત હતી તેવા ઉલ્લેખો દ્વાદશાર નયચક્ર અને આવશ્યક નિર્યુક્તિ ગ્રંથોમાંથી પ્રાપ્ત થાય છે. દ્વાદશાર નયચક્રમાં વિધિ, નિયમ આદિ ૧૨ નયોની એક અન્ય પરંપરા પણ પ્રાપ્ત થાય છે. આજે તો તે પરંપરા લુપ્ત થઈ ગઈ છે. આ ઉપરાંત દિગંબર પરંપરામાં માઈલ્લ ધવલ અને આ. દેવસેને નયચક્ર નામના ગ્રંથો રચ્યા છે. આ નયચક્રમાં તેઓએ પ્રચલિત નય વિભાજનની પરંપરાથી અલગ જ સ્વમતિ કલ્પિત નવી પરંપરા ઊભી કરી છે. તે પરંપરા પ્રમાણે તેમણે નયોના સાત