________________
[૧.૧] કુટુંબનો પરિચય
દૈવી કુટુંબ તેથી નમસ્કાર કરે ગામવાળા અમારું કુટુંબ ઘણું સારું. મને તો અમારા ગામમાં બે-ત્રણ માણસો કહે, શું તમારા મા-બાપ ને તમારા ઘરને તો અમે નમસ્કાર કરીએ છીએ. શું લાગણીવાળા, કો'કનું કામ કાઢી નાખે એવા એ લોકો ! જેનો કેસ ઝાલ્યો ને, એનું કામ જ કરી નાખે. એટલા લાગણીવાળા, દયાળુ, કોઈનું ખઈ જાય નહીં. પછી આ હરૈયા નહીં. હરૈયા ઢોર જેવા તો ભેગુંય કરેલું હોય ને કરે. હવે આપણે ભેગુંય ના કરીએ. બળ્યું ! આપણા નસીબમાં હોય એટલું આવે.
તે કોઈ કોઈ જગ્યાએ મને પગે લાગે. ને કહે, “ધન્ય છે તમારું કુટુંબ!' કોઈ દહાડો એબ નહીં, દાગ નહીં. એક દાગ નહીં. નહીં તો ચોરી છે, લુચ્ચાઈ છે, એવું હોય તે તિરસ્કાર છૂટે. ના છૂટે ?
પ્રશ્નકર્તા : છૂટે.
દાદાશ્રી : એક એબ નહીં. મૂળજીકાકા મરી ગયા, તે પૈસા નહોતા તોય મણિભાઈ કહે છે, મારે તો આખી ખડકી કરવી (જમાડવી) છે. ઈચ્છા તો આખી ખડકીની છે, તે કર્યું. નહોતા પૈસા, તો દેવું કરીને કર્યું. છોડે નહીં ને ! આટલું બધું, બહુ જબરા માણસો. અને પૈસાની પેટીઓ નહીં, તિજોરીઓ નહીં. શાથી માન મળતું હશે ? આ કુટુંબ સારું તેથી. આમ કો'કના માટે જ જીવતા હોય એવા જ બધા જન્મે. લોકોના હારુ જીવતા હોય ને, એવા જ. મને તો વળી ગામમાં કેટલાક પૈડાં માણસ કહેતા, ‘ભાઈ, તમારી વાત ક્યાં થાય ? કેવું ઘર ! કેવું સુંવાળું ! કોઈને દુઃખ નહીં, કોઈને ત્રાસ નથી આપ્યો.” એવું તે પગે લાગે પૈડાં ! શું દૈવી કુટુંબ ! એવું એવું કહેતા. કોઈ ત્રાસ આપી ગયો હોય ને તોય એને ત્રાસ ના આપે, ક્ષત્રિયતા એ. સારું કહેવાય ને ?
પ્રશ્નકર્તા હાસ્તો, ઘણું સારું.
દાદાશ્રી : અને માનભેર જીવેલાને, એટલે માનની તો ભૂખ બધી ઓસરી ગયેલી. તે પણ અહંકાર ભેગો થઈ ગયેલો ને, એ કૂદાકૂદ કરે.