________________
૨૧૪
જ્ઞાની પુરુષ (ભાગ-૧)
ત્યારે કહે, “રોજ-રોજ છસ્સો લાવતા'તા ને કેમ આવા ટાઢા પડી ગયા ?” મેં કહ્યું, “આ વળી અમારામાં ક્યાં હાથ ઘલાવડાવ્યો ? આ ભઈએય ખરા છે ને ! ધંધો તો ક્યારેક ચાલે ને નાય ચાલે !
હું હિસાબ નહીં આપે, મારી સ્વતંત્રતા પર કાપ નહીં ચાલે
તે પછી મનેય કહે, “હિસાબ કહો.” મેં કહ્યું, “આ કંઈથી લાવ્યા આપણા ઘરમાં ? આ વેશ ક્યાં થયો ?” આપણા ઉપરી કોઈ ના હોય, ને વળી પાછા આ ઉપરી થઈ બેઠા ! મોટાભાઈ ઉપરીપણું કરે નહીં. આ મોટાભાઈની ઢીલને લઈને ભોળા ભલા આદમી, તે આ બીજીવારની બૈરી એટલે ચઢી બેસે હંમેશાં. તે આ ચઢી બેઠેલા. “મારી સ્વતંત્રતા પર કાપ ના ચાલે. હું કંઈ અહીં સર્વન્ટ (નોકર) નથી, હું તો માલિક છું. મણિભાઈનો હિસાબ લેજો' કહ્યું.
આવું મને પૂછવા માંડ્યું એટલે પછી મેં કહી દીધું. અહંકાર જરા ભારે મારો. મેં કહ્યું, ‘હું હિસાબ નહીં આપું. ધંધામાં તમારે બિલકુલ હાથ ઘાલવો નહીં, ચૂપ. તમે મારા સાહેબ થઈ બેઠા છો ? અહીં મારી પાસે નહીં ચાલે.”
ભાભીના નિમિતે ઘર છોડી નાસી ગયા પ્રશ્નકર્તા : દાદા, ભાભી સાથે એવો કોઈ પ્રસંગ બન્યો કે જેમાંથી આ દુનિયા પરથી મન ઊઠી ગયું, જેમાંથી આ અધ્યાત્મ તરફનો વેગ ખૂબ વધી ગયો.
દાદાશ્રી : હા, એવો પ્રસંગ બનેલો ને ! એ પ્રસંગમાં અમારા ભાભી નિમિત્ત બનેલા. તેય પાછું એક ફેરો નાસીયે જવું પડ્યું'તું ભઈના સામ્રાજ્યમાં. હા, નાસી આવ્યો'તો ઘર છોડીને. કહ્યા-કર્યા વગર અમદાવાદ એકલો આવતો રહ્યો’તો.
એટલે રિસાયો નહોતો પણ નક્કી કરેલું કે અહીં રહેવું નથી. રિસાયો ના કહેવાય, પણ એ બધાને એમ લાગે કે રિસાઈને જતો રહ્યો. મેં નક્કી જ કરેલું કે આપણે અહીં રહેવું જ નથી હવે. આમની જોડે ફાવે નહીં, આ બાઈ જોડે.