________________
૩૩૨
જ્ઞાની પુરુષ (ભાગ-૧)
પ્રશ્નકર્તા : જ્ઞાન પહેલાં ?
દાદાશ્રી : હા, જ્ઞાન પહેલાં. કારણ કે ત્યારે મહીં એક ગુણ ખરો. સહન કરી લેવાનો કે દયાળુ ગુણ ખરો મહીં. કોઈ પણ દુ:ખ દે, કોઈ ત્રાસ આપે તો સહન કરી લેવાનું માંહ્યોમાંહ્ય તે. સગોવહાલો, કોઈ મિત્ર હોય તો આટલો ગુણ ખરો એ. એટલે કોઈ પાંચ-દસ હજાર રૂપિયા ઘાલી ગયો હોય, પણ દ્વેષ નહીં એના માટે. એટલે પછી લોકો મને શું કહે કે તમે એને સીધો ના કર્યો અને શિક્ષા ના કરી, તે આ હવે બહારવટિયો થઈ બેઠો છે. શિક્ષા કરી હોત તો પાછો પડે. ત્યારે મેં એને સમજ પાડી કે ‘તમારી ભૂલ થાય છે. મારાથી શિક્ષા થઈ શકે એમ નથી.' તો કહે, ‘કેમ ના થાય ?’ મેં કહ્યું, ‘આ કોઈ ભલો દયાળુ માણસ હોય, એ કોઈને
ધોલ મારે તે કેવી મારે ?’
પ્રશ્નકર્તા ઃ પોલી.
દાદાશ્રી : પોલી મારે. ત્યારે પેલા કહે, ‘તેથી આ બહારવિટયા થયા. તમે આમાં એમને કશું કહ્યું નહીં !’ મેં કહ્યું, ‘એ જો બહારવટિયા થઈ જાય તો એમને પોતાને નુકસાન છે. મારા મળવાથી એમને પોતાને વધુ વેગ પકડશે, ત્યારે પછી કોઈ માથાનો મળી આવશે. તે એના સાંધા જ તોડી નાખશે. પછી અટકવાનો તો ખરો જ ને ? અટક્યા વગર રહે નહીં ને !'