________________
[10.8]
માર ખાય ત્યાં તરત છોડી દે
રિસાયા તાતપણમાં એક વાર
:
પ્રશ્નકર્તા : આપે કહ્યું કે અહંકાર બહુ ભારે હતો, તે કોઈ દિવસ તમારું ધાર્યું ન થાય તો રિસાવ ખરા ?
દાદાશ્રી : અમને મૂળથી આડાઈ ઓછી. રિસાવાની તો ટેવ જ નહીં, નાનપણથી ઓછી. મારા ઘરના સંસ્કાર જ એવા એટલે સરળતા. પણ એક-બે ફેરો નાનપણમાં રિસાઈ જોયેલું, પાંચ-સાત વર્ષે.
તે અમારા સગાંવહાલાંના છોકરાં આવેલા. તે બાએ કશું આપ્યું, તે મને ઓછું પડ્યું. કંઈ ખાવાની સારી ચીજ હશે, તે મને ઓછી મળી મારા પ્રમાણમાં. એટલે પછી મેં કહ્યું, ‘મારે નથી ખાવું' ત્યારે રિસાયો. એટલે કંઈ વસ્તુ મને આપવાની કહે, મને ઓછી પડે એટલે હું રિસાઉ. તે પેલી જે વસ્તુ હતી તે ત્યાં ને ત્યાં રહી ગઈ, પેલા છોકરાં ખઈને જતા રહ્યા. મારી વસ્તુ ત્યાં ને ત્યાં રહી ગઈ. પછી એ હતી તેય કો'ક ખાઈ ગયું. રાતે હું ખોળું ત્યારે જડે નહીં. મેં કહ્યું, ‘પેલું કંઈ છે ?” ત્યારે કહે, ‘એ ખલાસ થઈ ગયું ભઈ.’ ત્યારે મેં કહ્યું, ‘હાય ! આ તો રિસાયાની ખોટ ખાધી આપણે.’ બે રોટલી ખાવી ને છમકલા બહુ, થોડું ખાવું ને છમકલા બહુ. એવો ખોટનો ધંધો ન ચાલે, આપણને ન પોસાય. એટલે પછી જે આપે તે લઈ લઉ.