________________
[૧૦.૧૦] જ્ઞાનીના લક્ષણ, નાનપણથી
૪૧૯
નિમિત્તને બચકાં તો કૂતરામાં તે માણસમાં ફેર શો?
તમારું કૂતરું તમને કેવી રીતે કરડે ? આ કોઈ દહાડો કરડે નહીં ને આજે કરડ્યું આ તો ! આનો ગુનેગાર બીજો છે. મેં કહ્યું, “મારશો નહીં. કૂતરાએ બચકું ભર્યું તેનો ગુનેગાર કોણ છે ? હું. અને મારો છો કૂતરાને. એને નથી કર્યું આ. મેં પૂંછડી દબાવી હતી. ત્યારે કહે, “મૂઆ, તે પૂંછડી દબાવી હતી ! આવું શું કરવા કર્યું ?” મેં કહ્યું, “આવું તમે કર્યું.” પછી શેઠ કહે છે, “હું તને જવાબ આપીશ.” મને બે-ત્રણ ગાળો દઈ દીધી. પણ આનો હિસાબ મેં કાઢી લીધો કે આ નિમિત્તને બચકાં ભરે છે કૂતરું. કૂતરાએ એમ ના તપાસ કરી કે આ કોણે મારી પૂંછડી દબાવી છે ! એને ખબર ના હોય કે આ કોણ દબાવનાર છે અને કોને કરડું છું ! કોણ ગુનેગાર છે એ કૂતરું સમજી શકતું નથી. એટલે ગુનેગાર હું છું, પણ મને ઓળખતું નથી. એટલે કૂતરાએ નિમિત્તને બચકું ભર્યું. એટલે મેં કહ્યું, ‘તમેય નિમિત્તને બચકાં ભરો છો. કૂતરાએ ભૂલ ખાધી પણ તમેય આવી બાબતમાં ભૂલ કરો છો ? એ તો આપણને ખબર ના હોય કે આપણું કૂતરું આવું બચકાં ભરી લે એવું છે નહીં ? કંઈ કારણ બન્યું, તપાસ તો કરવી જોઈએ ને !' એ રીતે આખું જગત નિમિત્તને બચકાં ભરી રહ્યું છે.
એટલે ત્યારથી સમજી ગયેલો કે આ નિમિત્તને બચકાં કૂતરા ભરે, આપણાથી ના ભરાય. હવે એ કૂતરું છે એટલે એને આ ખબર નથી કે આ કોણે મારી પૂંછડી દબાવી ને કોને એ કરડે છે ! આ કૂતરું એ નિમિત્ત અને સળી કરનારો હું. એને કુરકુરિયાને માર માર કરે એવા આ લોક છે પાછા. ગુનો કોણ કરે ને કોને ચોપડે એ ? નિમિત્તને બચકાં ભરે.
એવી રીતે આ જગત નિમિત્તને જ બચકાં ભરીને દુઃખી થઈ રહ્યું છે. નિમિત્તને બચકું કૂતરા અગર તો સાપ ભરે. સાપને આપણે આમ લાકડી ધરીએને તો લાકડીને બચકું ભરે. કારણ કે એ સાપ છે. કૂતરાને આપણે સળી કરીએ તો કૂતરુંય લાકડીને બચકું ભરવા જાય. કૂતરાને એ ખબર ના હોય કે આમાં કોણ ગુનેગાર છે ! જે રોજ ખવડાવે છે તેને બચકું ભરી લીધું. પૂંછડી કોણે દબાવી તે જાણતું નથી. એટલે કૂતરું