________________
૪૧૪
જ્ઞાની પુરુષ (ભાગ-૧)
વાંકાચૂકા રસ્તાને બદલે ગમે સીધોસટ રસ્તો
મેં નાનપણમાંથી, નવ વર્ષનો હતો ત્યારથી કાયદો કરેલો કે લોક જે રસ્તે ચાલે તે રસ્તે, સીધો રસ્તો હોય ત્યારે ચાલવું અને રસ્તો બહુ વાંકો હોય તો વચ્ચે ચીલો નવો પાડવો. બધા ફરવા જાય તે વાંક (વળાંકો આવે ત્યારે હું ખેતરમાંથી જઉં, બધા જાય ત્યાંથી ના જાઉ. બધા કહે, ‘તમે આડા છો.” ત્યારે હું કહું, હું તો પહેલેથી જ આડો છું.' શું કરવાનો એ રસ્તો ? આ લોક તો વાંકો ચિતરો તો વાંકા જાય, માઈલ જવાનું હોયને ત્યાં ત્રણ માઈલ ફરીને જાય. તે હું સમજી જઉં કે આ રસ્તો વાંકો-અવળો ચિતર્યો છે. લોકો એ રસ્તે જ ચાલ્યા કરે, આપણે આ નવો સીધો રસ્તો પાડી દેવો.
એવી રીતે આ લોકોની વાત બધી ઊંધી હોય, તેને છતી તો ઓળખવી પડે ને?
નાનપણથી મને માર્ગ જુદો મળી ગયેલો, પહેલેથી. નાનપણથી માર્ગ બદલું, માણસોના આધારે હું ચાલતો નહોતો. આ ટોળું જાય ને, એ ટોળું ચાલે તે ટોળામાં હું ના ચાલું. હું જોઈને તપાસ કરું કે આ ટોળું કઈ બાજુ લઈ જાય છે ? આ રસ્તો વળી આમ ફરી અને પાછો પેણે જાય છે. તે આખું કુંડાળું ગણીએ તો એકના ત્રણ ગણા થાય, તો આ અડધું કુંડાળું દોઢ ગણા થાય. તે દોઢા રસ્તે માર ખાય કે સીધા ? તે હું સીધું ચાલતો'તો, લોકોને રસ્તે ચાલેલો નહીં પહેલેથી. લોક રસ્તે ધંધો નહીં. લોકો કરતા જુદો ધંધો, રીતેય જુદી, રસમય જુદી, બધું જ જુદું. એટલે મારી ટેવ આવી પહેલેથી. તે મને લોક શું શબ્દ કહેતા'તા, તે કહું?
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : “હહરો (સોંસરો) પડું છું?” કહે છે. હું કહું, ‘હા.” ત્યારે કહે, “શી રીતે ઓચિંતો આવ્યો તું અમારી પહેલાં ? હોંહરો (સોંસરો) પડીને આવ્યો ?” મેં કહ્યું, “હા, હોંહરો (સોંસરો) પડીને આવ્યો છું. તે તમારી ટોળાની પેઠ છબલિકા વગાડીને તમારી જોડે ફરું ?” હું મારી મેળે બીજો રસ્તો ખોળું. મને ફાવે નહીં એ બધું.