________________
૪૧૨
જ્ઞાની પુરુષ (ભાગ-૧)
મારું મન લલચાય ખરું કોઈ વખત કે આ કરવા જેવી ચીજ છે, પણ મને તરત પરિણામ રૂપે ભય દેખાયા જ કરે. એટલે મૂળથી જ પરિણામ દેખાય. એટલે કશે ચોંટવા દીધો નથી. આનું પરિણામ શું આવશે એ મારી સાથે હોય છે, દરેક વાતમાં.
લોકોએ માતેલા સુખમાં ન દીઠું સુખ પ્રશ્નકર્તા : ભગવાન વિશે, ગુરુ વિશેની આપની વિચારણા આશ્ચર્ય પમાડે એવી છે અને અમે તો ગાડરીયા પ્રવાહની જેમ જૂનું ચાલતું આવે છે, તેમાં ચાલ્યા જ કરીએ છીએ, એનું શું કારણ ?
દાદાશ્રી : એ તો તમે લોકોનું શીખીને કરો, હું લોકોનું શીખ્યો નથી. હું પહેલેથી લોક(સંજ્ઞા) વિરુદ્ધ ચાલનારો માણસ. લોક જે ચાલે ને, એ રસ્તો આમ ગોળ ફંટાયેલો હોય, તે લોક રોડે રોડે ફરીને જાય. ત્યારે હું હિસાબ કાઢે કે ગોળ ફરીએ તો ત્રણ માઈલ થાય, આમ સીધું એક માઈલ હોય તો હું સીધો પડું આમ. તે રસ્તો ખોળી કાઢીને સીધો પડી જઉં. આમ હું આ લોક વિરુદ્ધ ચાલેલો. આ આમના કહેવા પ્રમાણે ચલાય ? લોકસંજ્ઞા નામેય નહીં. લોકોએ જેમાં સુખ માનેલું, મને એમાં સુખ દેખાયેલું નહીં.
હું શોર્ટકટ ઓળખી કાઢે. આ લોકો તો આગળ ચાર ઘેટાં ચાલ્યા, તેની પાછળ બધું ટોળું ચાલ્યા જ કરે ! કેટલો વાંકો રસ્તો થાય છે એ જુએકરે નહીં. આ તો સરકારે કાયદા કાઢ્યા, તેથી સીધા રસ્તા બનાવડાવ્યા. ભણેલા માણસોએ સીધા રસ્તા બાંધ્યા, નહીં તો પહેલાં તો એક માઈલ જવા માટે ત્રણ માઈલના ઊંધા રસ્તે જવું પડે, એવા બધા રસ્તા હતા.
કોઈની નકલ ના કરે એનું નામ અક્કલ અક્કલ તો કોનું નામ કહેવાય કે જેણે કોઈ દહાડો નકલ ના કરી હોય. આ નકલ કરી કરીને અક્કલવાળા થયેલા, એમાં શું ભલીવાર આવે ? નકલ કોઈની ના કરી હોય એનું નામ અક્કલ કહેવાય. આ તો બધું નકલ કરી કરીને શીખ્યા !