________________
[૧૦.૪] માર ખાય ત્યાં તરત છોડી દે
૩૪૭
પ્રશ્નકર્તા : પછી દાદા, જે મળે એ લઈ લો ? જે આપે એ લઈ લો તમે?
દાદાશ્રી : અનુકૂળ આવે તો લઈએ ને ના અનુકૂળ આવે તો રહેવા દઈએ. રિસાવા-કરવાનું નહીં. એટલે મેં હિસાબ કાઢી નાખેલો કે આમાં ખોટ છે બધી, આ ખોટના જ ધંધા. માટે મારે ફરી રિસાવું નથી.
ભાભીને દૂધ કેમ વધારે, તે પાછા રિસાયા હું તોય પાછો એક ફેરો રિસાયો હતો, દસેક વર્ષની ઉંમરે.
પ્રશ્નકર્તા : એ પેલું દિવાળીબા જોડે દૂધ માટે થયું તું ને. બા જોડે દૂધની ભાંજગડ થઈ'તી ને કે મને પાશેર, એમને પાશેર, સરખું નહીં.
દાદાશ્રી : હા, તે ભાભી અગિયાર વરસના અને હું દસ વરસનો. પછી છે તે એ આવ્યા એટલે મારે મુશ્કેલી ઊભી થઈ. મારા દૂધમાંથી મને ઓછું મળવા માંડ્યું, ભાગ પડવા માંડ્યો ને ? તે દહાડે તો એક પૈસામાં અચ્છેર (અર્ધશેર) દૂધ આવતું હતું, બે પૈસામાં રતલ. તે એક પૈસાનું હું પીતો હતો ને એક પૈસાનું એ. ભાભીનું ને મારું એનું દૂધ સરખું હતું, અચ્છેર.
એક ફેરો અને રાતના વાળું કરવા બેઠા ત્યારે મારી બાએ ભાભીને વધારે દૂધ આપ્યું ને મને ઓછું આપ્યું. તે પછી મને મહીં દ્વેષ આવ્યો બા ઉપર કે “બા, તમે આવું કરો ?” એટલે તો ઝઘડો કર્યો. બાને મેં કહ્યું, “મને આવું શું કરવા ઓછું આપો છો? મારે તો આવું ના ચાલે. હું તો મારું દૂધ જુદું લાવીશ.” એટલે બીજી જગ્યાએ ભેંસવાળાને ત્યાંથી દૂધ લઈ આવવાનું, તે વેચાતું લાવતો'તો. એમનું બીજું કોઈ આપી જતું ને હું જાતે લઈ આવતો. તે હું મારું એક અચ્છેરની લોટી દીઠ લઈ આવું. તોય આ મારા બા છે તે અમારા ભાભીને વધારે આપે મારા કરતા. એમના વાડકામાં જોઉ તો વધારે હોય, એમાં મને મહીં બળતરા થાય.
પછી મેં કહ્યું, “હવે દૂધ વધારે લાવવાનો છું. મારા માટે, તો બા કહે છે, “એવું કેમ કરે છે ? સરખું દૂધ પીવાય.” ત્યારે મેં કહ્યું, “બા,