________________
[૧૦.૭] યમરાજના ભય સામે શોધખોળ
૩૮૧
એનો વિરોધ કરવો છે, જે થવાનું હોય તે થાય. હું તો ભગવાનનેય ટેકાવું એવો માણસ છું. મારો ક્રાંતિકારી સ્વભાવ, લોકની સામો પડનારો ! પણ એનો નિવેડો લાવી નાખું. તે બ્રાહ્મણોને પૂછયું ત્યારે કહે કે “એવું ના બોલાય, નહીં તો જમરા તને ફરી વળશે.” મેં કહ્યું, ‘તમને ફરી વળશે.”
તે ચાલી જબરજસ્ત વિચારણા મેં કહ્યું, ‘જો જમરાજ હોય તો એને પગાર કોણ આપે છે? પગાર તો આપવો પડે ને. એ કામ કરે તે બદલ ? ના આપવો પડે ? એનું પેમેન્ટ કોણ આપતું હશે ? એને પગાર શું મળતો હશે ?” તો કહે, “એ હું જાણતો નથી. પગાર તો હોતો હશે ?” તો પગાર વગર કોઈ કામ ના કરે, જમરો કે જમરાનો બાપ હોય તોય. પગાર વગર તો કોઈ મહેનત કરે નહીં. કોણ મહેનત કરે ?
એટલે પછી એટલા બધા વિચારમાં હું પડ્યો કે “આવડો મોટો જમરાજા આટલા બધા લોકો મરી જાય તેને ઉપાડી જાય તો એનો પગાર કોણ ચૂકવતું હશે ? અને પગાર શેમાં ડૉલરમાં આપતા હશે કે રૂપિયામાં આપતા હશે ? ક્યાંથી એના પગારનું પેમેન્ટ થાય છે ? કઈ બેંકનો ચેક હોય છે ? કઈ બેંકમાં ચેક વટાવે છે ?” આવા બધા મને વિચારો મહીં સૂઝવા માંડ્યા.
તે પછી મને વિચાર કરતો કરી મૂકેલો કે “આ મૂઓ જીવ લેવાવાળો તો નોકર છે કે શેઠ છે ? જમરા હશે ત્યારે એનો ઉપરી કોણ હશે? એનો હેડ કોણ હશે ? હેડ ઑફિસ કોણ ચલાવે છે આ ? એ ઑફિસ કોની છે ?” તમે એવો વિચાર કરેલો કોઈ દહાડો?
એટલે વિચારતા વિચારતા મને એમ લાગ્યું કે “ભગવાનની ઑફિસ હોવી જોઈએ. પણ તે ઑફિસ ક્યાં રાખી છે ભગવાને? હેડ ઑફિસ ક્યાં છે? જો જમરાજા જેવા એક નોકર આવું કામ કરે છે, તો એની ઑફિસ કેવડી મોટી હશે ? તો ભગવાન કેવડો મોટો હશે ? એને આવક ક્યાંથી આવતી હશે ? રેવન્યુ ક્યાંથી આવતું હશે એનું ? ભગવાનનું રેવન્યુ હોય તો એને પગાર આપે ને ! કોઈ આવક હોય તો પગાર આપે ને !