________________
[૧૦.૮] ભગવાન વિષે આગવી સમજ
૩૯૭
કહે, એવો મારે નથી જોઈતો તારો મોક્ષ. એ મોક્ષે લઈ જતો હોય તોયે હું ના કહું કે તારે ઘેર જા અહીંથી. તારી લક્ષ્મીજી જોડે બેસી રહે તારે ઘેર. મારે તો મારામાંય એ ભગવાન છે ને એ ભગવાનની જોડે જવું છે. મારે તારું શું કામ છે ? તું ભગવાન છું, હુંયે ભગવાન છું. ભલેને તું મને થોડો વખત તારા કાબૂમાં લેવા ફરતો હોય પણ આઈ ડોન્ટ વૉન્ટ ટૂં.” પણ શેને માટે ભીખ ? આ પાંચ ઈન્દ્રિયોની લાલચો માટે ? શી લાલચો છે આમાં ? જાનવરનેય લાલચ છે, આનેય લાલચ છે. તેમાં ને આપણામાં ફેર શું રહ્યો ?
બળવાખોર ને નિસ્પૃહી સ્વભાવને લીધે ચોખ્ખું બોલું
પ્રશ્નકર્તા : સાચી વાત છે, લાલચને લીધે સાચા ભગવાનની ઓળખાણ નથી પડતી.
દાદાશ્રી : હું નાનો હતો ત્યારે એક બાપજી એવું બોલતા'તા, “મેં આમનો મોટો રોગ લઈ લીધો અને આમનું શારીરિક દુઃખ હતું તે બધું લઈ લીધું.” મારા મગજને આ વાત પોસાય નહીં. બળવાખોર મગજ મારું. મેં કહ્યું, “બાપજી, ત્યારે તો આ દવાખાના બંધ કરાવી દેવડાવીએ.” મૂઆ, સંડાસ જવાની તો શક્તિ નથી. શરમ નથી આવતી ? એવડો મોટો બાપજી હતો તોય કહ્યું, “સંડાસ જવાની શક્તિ હોય તો મને દેખાડ, ચાલ, હંડ. પુરાવો આપ. દુઃખ લેવા આવ્યા ! લોકોને ભમાવે છે ?”
“બાપજી એના કરતા અહીંથી ઘેર જઈને પૈણો ને, આ તોફાન કર્યા કરતા.” તે દહાડે એમને ચોખું સંભળાવી દીધું'તું. તે એમને ખરાબ લાગ્યું. બળવાખોર સ્વભાવ મારો એટલે જરા બોલું તે ખરાબ તો લાગે ને?
આ તો બધા પેલો વાઘરો બેઠો હોય ને, તેનુંય ભગવું કપડું જોઈ, બાપજી, મારું ભલું કરજો કંઈક.” આ બિચારા સુંવાળા લોક ભમી જાય છે ! “મારું દુઃખ લઈ લીધું' કહે છે. મને આ પોસાય નહીં. હું ચોખ્ખું બોલવાવાળો માણસ ! એટલો અવગુણ મારામાં હતો. બળવાખોર નિસ્પૃહી માણસ હોય, જેને કશું લેવા-દેવા નથી એવું કરીને ચાલે. એ કહી દે એને ઠીક લાગે છે.