________________
૪૦૨
જ્ઞાની પુરુષ (ભાગ-૧)
તમને ગમશે નહીં, ત્યારે ઉપરી તમને પ્રાપ્ત જ નહીં થાય. તમને ઉપરી નહીં પ્રાપ્ત થાય એવી ઈચ્છા નહીં કરો. મને અન્ડરહેન્ડ ગમતા નથી, હું કોઈને અન્ડરહેન્ડ રાખવા માગતો નથી, તે મને ઉપરી કેવી રીતે આવે ?
ખોટું કરતા અટકે એટલે ભગવાનની ભડક ઘાલી
અત્યારે મારો ઉપરી કોઈ છે નહીં વર્લ્ડમાં. ઉપરી કેમ પોસાય બળ્યું? અને તમનેય ઉપરી રહિત બનાવી આપું ! હમણે લોકોને બહાર પૂછો ને, તો “ગોડ ઈઝ ક્રિએટર ઈઝ કરેક્ટ' એવું કહે. અને અહીં કોઈ બાપોય ઉપરી નથી. તારે જો મુક્ત થવું હોય તો, ઈન્ડિપેન્ડન્ટ થવું હોય તો કોઈ ઉપરી છે નહીં અને તને ડિપેન્ડન્ટ ગમે છે માટે ઉપરી છે. ઉપરી હોય તેનો અર્થ જ શું? મીનિંગલેસ વાત ! એટલે લૌકિક વાત જુદી છે, અલૌકિક વાત જુદી છે. આ તો શા માટે ? લોકોને ભડક માટે ભગવાનને ઉપરી ઠરાવ્યો છે, નહીં તો પછી લોકોના મનમાં શું થાય કે લાવો, સ્ટોરવાળો કોઈ છે નહીં, આજે કાઢી લો ને ! એટલે આવો કાંઈ ભગવાનનો ભય વર્તે છે એટલે એ ટેવ છૂટી જાય લોકોને અને વિચારક માણસને ભયની જરૂર નથી. તમારી માટે કોઈ પોલીસની જરૂર નથી ને લશ્કરની જરૂર નથી. પોલીસ-લશ્કર આ ગુંડા લોકોને માટે છે અને એમનો ટેક્સ તમારા ઉપર લાગે છે.
મેં શોધખોળ કરી કે કોઈ ઉપરી નથી. આ વૈજ્ઞાનિક રીતે શોધખોળ છે. મને જ્ઞાન થયું સુરતના સ્ટેશન ઉપર, પછી જગતમાં કોઈ એવી ચીજ જાણવાની બાકી નથી મારી પાસે. અને આજેય પણ અત્યારે જ્યાં જોઉં ત્યાં હું ભગવાનને જોઈ શકું છું. તમારા ભગવાનનેય જોઈ શકું છું ને પરમાત્માનેય જોઈ શકું છું. તમારામાં ભગવાન પરમાત્મા રૂપે નથી રહ્યા, ભગવાન રૂપે રહ્યા છે ને બીજે પરમાત્મા રૂપે છે, તેને જોઈ શકું છું. એટલે વર્લ્ડ સમજવા જેવું છે. આમ, ગપ્યું નથી. આ વિજ્ઞાનથી ઊભું થયેલું છે. એટલે તમારે ઈન્ડિપેન્ડન્ટપણું ખોળવું જોઈએ.
ભગવાન નહીં પણ મારી ભૂલો એ જ મારી ઉપરી
પ્રશ્નકર્તા : દાદા, તમે તેરમે વર્ષે પડકાર કર્યો કે મારો કોઈ ઉપરી નથી, એટલે ત્યારથી તમે આગલી ભૂલો ભાંગી નાખી ?