________________
[૧૦.૭] યમરાજના ભય સામે શોધખોળ
૩૭૯
ના આવી મને તો રાતે. ત્યારે તો નાની ઉંમર હતી તોય ઊંઘ ના આવી મને, ઊંઘ-બુંદ બધું ઊડી ગયું.
જમરાની મેં રાહ જોઈ, હમણાં લેવા આવશે, હમણાં લેવા આવશે. હમણે લઈ જશે, હમણે લઈ જશે. હું જરા વધારે જાગૃત હતો કે, તેને લઈને ઉપાધિ ! જાડા, ઢેબરા જેવા માણસ હોય ને, તે તો પાછું બગાસું ખાઈને સૂઈ જાય પાછો. મને તો આખી રાત ઊંઘ ના આવી. સેન્સિટિવ માણસ, શું થાય હવે ? તે સવારના પાંચ વાગ્યા તોય ઊંઘ ના આવી.
સવારે કાકા હેમખેમ, લાગી પેલી વાત પોલી
એટલે મને આખી રાત ઉપાધિ રહી અને કાકા ઘસઘસાટ ઊંઘ લે. જેના માટે હું ચિંતા કરું છું, તે સૂઈ ગયા ને હું જાગ્યો. પછી થાકીને સવારે થોડીવાર ઊંઘી ગયો અને પછી ઊઠી ગયો એકદમ ઝટકો મારીને, ત્યારે કાકા હતા, ત્યાં ને ત્યાં જ હતા, એમ ને એમ જ રહ્યા. કાકાય હતા ને હુંય હતો. કાકાય એના એ અને હુંય એનો એ.
જમરા સવાર સુધી આવ્યા નહીં ને કોઈ જમરું ના લઈ ગયું કાકાને. કોઈ બાપોય લઈ ગયો નહીં. સવારમાં તો કાકા જાગ્યા ને ઊઠ્યા. એય બેઠા થયા નિરાંતે ! મેં કહ્યું, ‘હાય હાય ! આ તો ખોટું છે બધું. પોલું લાગે છે !' એટલે મને એ જમરા પરેય રીસ ચઢી ગઈ.
માંડી તપાસ, જમરાની વાત સાચી કે ખોટી ! પછી સવાર થઈને બધા આવવા માંડ્યા. છ વાગે બધા આવ્યા ત્યારે મેં કહ્યું, “જમરા આવેલા જતા રહ્યા. જમરા આવ્યા પણ આ કાકાને લઈ ગયા નથી. માટે આ જમરાની વાત ખોટી લાગે છે મને. જો આટલે સુધી આવ્યા ને પાછા કેમ ગયા? આપણે કોઈએ કંઈ ના પાડી નથી, તો કોની બીક લાગી એને ?” ત્યારથી મને વહેમ પડ્યો કે આ લોકો ખોટી વાત કરે છે ! જમરા કેવી રીતે હોઈ શકે ? અહીં આવ્યા પણ એ પાછા જતા ના રહે, માટે વાત ખોટી છે આ.
આ કોઈએ તૂત ઘાલી દીધું છે ! આ હારું ગણ્યું જ લાગે છે !