________________
૩૯૦
જ્ઞાની પુરુષ (ભાગ-૧)
દાદાશ્રી: હા, હું તેર વર્ષનો હતો ત્યારે અમારા ગામમાં, ભાદરણમાં ભગવા લૂગડાંવાળા સાધુઓ આવતા'તા એક-બે. હિન્દુસ્તાની હતા, ઉત્તર પ્રદેશ-પંજાબ તરફના. એમાં એક વેદાંતી સંત પુરુષ હતા. એમને ‘જ્ઞાનીજી મહારાજ' કહેતા લોક. તે આંધળા હતા અને બહુ વૃદ્ધ હતા. આમ બહુ આનંદી હતા ને સારા હતા, હૃદયના ભોળા માણસ હતા.
એટલે પેલા છોકરાંઓએ કહ્યું કે આંધળા મહારાજ છે અને બહુ સારા છે. એટલે મારી ઈચ્છા થઈ, ‘લાવ, હું જઈ આવું.” તે સ્કૂલમાંથી ટાઈમ મળે ને, એટલે પછી ત્યાં આગળ સંત પુરુષના આશ્રમ જેવું હતું ત્યાં દર્શન કરવા જતો.
અમે તો વૈષ્ણવમાં જન્મેલા એટલે ભગવા લૂગડાંધારી સંન્યાસી પાસે દર્શન કરવા જઈએ. જૈન કે એવું તેવું મનમાં નહીં કશું, જે હો તે. મને લાગેલું કે મહારાજ બહુ ચોખ્ખા છે, નિસ્પૃહી છે. તે બધા છોકરાઓ એમના પગ દબાવે તો હુંયે દબાવવા માંડ્યો, હેતુ સમજ્યા વગર બધાને જોઈને. પછી બાપજી તો બોલી ઊઠ્યા, “બચ્ચા તેરા નામ ક્યા હૈ ?” કહ્યું, “અંબાલાલ.” ત્યારે કહે, “અચ્છા.”
પછી મહારાજની સેવા કરવા, પગચંપી કરવા, પગ દબાવવા માટે રોજ જતો'તો. સ્કૂલમાંથી છૂટીને છાનોમાનો, કલાક-અડધો કલાક. તે મસાજ કરી આપું જરા, મને ગમે એ.
શાથી પગ દબાવવા આવતો'તો? ત્યારે કહે, “એ આંખે આંધળા હતા છતાં હું આવું અને કહ્યું કે “બાપજી, જય રામજી” એવું બોલું ત્યારે, કોણ? અંબાલાલ !” એ શબ્દથી ઓળખી જતા. એટલે મને બહુ આશ્ચર્ય લાગે, કે “આ મહારાજ સારા છે.”
પછી મહારાજને કહું કે “હું થોડો દૂધપાક બનાવી લાવીશ, ખાજો.” તો કહે, “ખાશું.” એટલે બાને કહું તો કરી આપે. તે થોડો દૂધપાક ને પૂરીઓ બનાવીને આપી આવું. એવું કંઈ આપી આવું. કંઈ લાડવા કર્યા હોય તો આપી આવું. કો'ક કો'ક દહાડો, રોજ નહીં. એટલે બહુ ખુશ થયા.