________________
૩૭૬
જ્ઞાની પુરુષ (ભાગ-૧)
એટલે પછી ત્યાં આગળ છે તે રાત્રે બધા સૂઈ જાય વારાફરતી, એમને દવા આપવા સારુ. આજુબાજુવાળા બધા લોકો જાગે, રાતે તેમની પાસે બધા બેસે, અને રાતે સૂઈ જાય ત્યાં. આમ હેલ્પ કરે. તેમની સેવામાં હું બેસી રહું. બીજા મોટી ઉંમરના સેવા કરે પણ હું મારાથી જેટલી બને એટલી કરું. પગ દબાવું, પગે હાથ ફેરવ્યા કરું. ત્યાં બધા લોકો જોવા આવે, હું ત્યાં બેસતો.
એક દહાડો રવિવાર હતો અને તે એક ઘરના માણસને તે દહાડે અવાય એવું ન હતું. એમ ને એમ બધા બેસીને થાકેલા ત્યારે મેં બધાને કહ્યું, ‘ભઈ, આજ રવિવાર છે ને મારે રજા છે. હું કાકાની જોડે બેસીશ. આજે તમે બધા અહીં ના સૂઈ જતા, હું સૂઈ જઈશ કાકાની પાસે. તમે બધા ઘેર જઈને સૂઈ જાવ, હું એમને દવા આપીશ રાતે. કાકાની સેવામાં હું રહીશ.” ત્યારે કહે, ‘તને આખી રાત ફાવશે ?” મેં કહ્યું, ‘ફાવશે. રાત્રે ઊંઘ આવશે તો પછી સૂઈ જઈશ પણ હું થોડીવાર બાર-એક વાગ્યા સુધી બેસીશ. કાકાને ઠીક લાગશે એટલે.” ત્યારે બધા કહે, “સારું'.
કૂતરું રડતા થઈ ભ્રમણા, “જમરા આવ્યા' એટલે બધા સૂવા ગયા ને હું ત્યાં રહ્યો. તે પછી કાકાને દવા આપી અને હું બેસી રહેલો. કાકા જરા આરામમાં પડ્યા. તે દસ-સાડા દસ વાગ્યા હશે ત્યારે કાકાની તો આંખ મીંચાઈ. કાકા તો ઊંઘી ગયા, નિરાંતે દવા પીને અને હું તો જાણું. હવે જવાન છોકરું એટલે કેટલા કલાક જાગી શકે ? એટલે અગિયાર વાગે મને ઊંઘ આવવા માંડી, તોય હું તો રાતે બારેક વાગ્યા ત્યાં સુધી જાગતો બેસી રહ્યો'તો.
પછી મેં સૂવાનો પ્રયત્ન કર્યો. સૂઈ જવાની તૈયારી કરતો'તો ત્યારે કૂતરું એક જગ્યાએ રડ્યું, પણ છેટે. કૂતરું ખૂબ રડ્યું. તે મારા સાંભળવામાં આવ્યું. તે ના સાંભળ્યું હોત તો વાંધો ના આવત, પણ મારા સાંભળવામાં આવ્યું. તે મારા મનમાં એમ લાગ્યું કે “આ તો જમરા આવ્યા હશે ! આ તો કૂતરું રડ્યું !”