________________
[૧૦.૪] માર ખાય ત્યાં તરત છોડી દે
૩૫૧
દાદાશ્રી : પણ શું થાય તે હવે ? મને આ નહોતું ગમતું આવું કે સમજ્યા વગર પગલા મૂકીએ ને પછી પસ્તાઈએ. વારે ઘડીએ પસ્તાવો કરવો, એ કંઈ રીત છે ? રિસાયો તોય મારું પોતાનું માપ નીકળી ગયું કે ખોટ કોને ગઈ ? એ જડ્યું ને મને. માટે એ દબડાવવાની સિસ્ટમ જ છોડી દો, ત્રાગું કરવાની. રિસાવું એટલે ત્રાગું કરવું.
રિસાયેલા માટે ના ઊભું રહે જગત પ્રશ્નકર્તા ઃ આ ખોટને તરત ઓળખી, એ તો વાણિયા બુદ્ધિ થઈને?
દાદાશ્રી : એ તો એવું કંઈ નહીં. વાણિયા બુદ્ધિ એટલે વિચારશીલ બુદ્ધિ કહેવાય, ડહાપણવાળી બુદ્ધિ કહેવાય. ખોટને ઓળખે, પછી ફરી ખોટ ના ખાય ને ! તે ખરો બુદ્ધિશાળી કોઈથીય રિસાઈ નહીં.
રિસાય એટલે ખોટ જાય. તમે એક દહાડો રિસાઈને રાત્રે ધમપછાડા કરીને ના ખાવ તો પછી બધા શું કરે ? બધા જાગતા રહે ? વખત થાય એટલે બધાય ઊંઘી જાય. એટલે ખોટ તમને જાય. આ રિસાવું તો તને આ જે આનંદ આવતો હોય તેય જતો રહે.
શું રિસામણા ને મનામણા પાછા ? અને મનાવેય કોણ બળ્યું? આ તો જમવાનું થાય એટલે કહે, “કાકા, ચાલો જમવા, જમવા હેંડોને ! ત્યાં આગળ જમવાનું તૈયાર થઈ ગયું છે, બધા બેસી રહ્યા છે.” ત્યારે પેલા કહે, “ના, અત્યારે જમવા નથી આવવાનો, જાવ.” તે પેલા લોકો એક-બે વખત વિનંતી કરે, પછી ? પછી ટેબલ પર જમવાનું તો ચાલુ થઈ જ જાય ને!
જગત તો ચાલ્યા જ કરવાનું. જગત કંઈ ઊભું રહે થોડીવાર ? તમે રિસાવ તો ગાડી કંઈ રિસાયેલાને મનાવવા આવે ? વાત સમજવાની જરૂર છે. સાહેબ, જાનવાળા ઊભા રહે ?
પ્રશ્નકર્તા: ના, કોઈ ના ઊભા રહે.
દાદાશ્રી : જાનવાળા છોકરો પૈણાવવા જતા હોય, તમે રિસાયા હોય, તે તમારા હારુ બેસી રહે બે દહાડા ? ના રહે. એવું આ જગત !