________________
[૧૦.૫] જાણ્યું જગત પોલંપોલ
૩૫૫
કંઈ થઈ જાય ! એટલે બધા કૂટી આવ્યા પછી મેં તો જઈને ધીમે રહીને એક ગોરાણીને પૂછયું, ‘તમે આ છાતી શું કરવા તોડી નાખો છો ? આ તમારી છાતી, તે આમાં રોગ થાય બધા આ તો ! દુઃખ થાય આ તો !” ત્યારે ગોરાણી કહે, “તને સમજણ ના પડે.” મેં કહ્યું, “શું છે ? છાતીમાં નથી ઠોકતા ?' ત્યારે કહે, “જેના મરી ગયા હોય ને, તે એકલી કૂટે. બીજા બધા તો આમ હાથ અથાડે આમ. અંદર ના અડે એને, છાતીમાં ના અડે. એટલે અવાજ મોટો કરે.” પછી મેં કહ્યું, “આ તમને બધાને શી રીતે રડવું આવે છે ? તે કોનો છોકરો ? કોણ મરી ગયું ને તમને રડવું શેનું આવે છે ?” ત્યારે કહે, “એ તો સહુ સહુના ઘરનું સંભારીને રડે.” એને ઘેર બાબો મરી ગયો તે સંભારીને રડે, પેલાને ધણી મરી ગયો હોય તે સંભારીને રડે, આમને કોઈ રડતા નથી, ત્યારે મને ફોડ પડ્યો. મેં કહ્યું, “ઓહોહો ! ત્યારે તો આ લોકો પાકા છે ! હજુ હું કાચો છું.” આ બધું નાટક જ જુદી જાતનું છે હવે. એટલે આમાંથી હું ખસી ગયો પછી. આ બધું પોલ છે. એટલે સાચા દિલથી રડે બિચારા. કારણ કે સામાને રડતો દેખીએ તો આપણને રડવું આવે જ સ્વાભાવિક રીતે. આ તો બધું પોલું જગત છે ! આ તો બધી કળા છે ! પછી મેં કહ્યું, “આ સાચું નહીં ?” ત્યારે કહે, “ના, આને લૌકિક કહેવાય, લૌકિક.” મેં જાણ્યું, તો હવે તમારી વેપારી પેઢી કહેવાય. કઈ જાતની કંપની આ ?
ઈન્ડિયન પઝલ, ન પહોંચી વળે ફોરેનવાળા નાનો હતો પણ જિજ્ઞાસા બહુ જાણવાની, તે એવા દગા ખોળીખોળીને શોધખોળ કરી ત્યાર પછી. ત્યાં આગળ જઈને જોઈ આવ્યો'તો આમ કરતા'તા એ ! તે હું જાણું કે આ પોલું સાંબેલું વાગ્યું ! આ સાંબેલું નક્કર નહીં, પોલું સાંબેલું. કાંઈ ખાંડવામાં કામ લાગે પોલું સાંબેલું ? એવી વાત થઈ છે આ ! હું તો બધે જોઈ આવેલો છું. પોલું વાગ્યુંને. મૂળ હાથનો જ અવાજ અને પોલું લાગે એટલે કહી દીધું પછી. ત્યારે પોલું તો પોસાતું હશે મૂઆ ? ત્યારે મને કહે છે, “તમે જાણતા નહોતા પોલું હોય છે એવું?” બહુ પાકા લોકો, તે આટલે સુધી લૂગડું ખેંચેલું ને અવાજ સરસ કાઢે એમ, એવી બનાવટ કરે ! પણ તે ધીમે ધીમે જોઈને