________________
[૧૦.૨] મમતા નહીં
ત્યાં ખઉ ખરો પણ ઘેર ન લઇ જઉં મને નાનપણમાંથી એક ટેવ એવી કે કોઈ ચીજ પોટલું બાંધીને લાવવી નહીં. હું નાનપણમાં ભાઈબંધો સાથે ખેતરોમાં જતો. ભાતભાતના ચારિત્ર (રમતો રમતો) કરતો. અમે બધા પાંચ-છ ભઈબંધો વાણિયા-પાટીદાર બધાય, આખું અમારું સર્કલ જઈએ વાડીમાં ખેતરમાં ફરવા માટે. ત્યાં આગળ છે તે મોગરી રોપી હોય, કોઈનામાં મૂળા રોપ્યા હોય, કોઈના ખેતરમાં બટાકા રોપ્યા હોય, વરિયાળી કરી હોય. પછી અમે બધા મોગરી હોય તો મોગરી ખઈએ ને એય જાતજાતના મૂળા ને શક્કરિયા એ બધું ખા ખા કરેલું. અને પછી બધા બાંધી લાવે આટલું આટલું, શાકની ચોરી કરી લાવે. પણ મને નાનપણથી એક ટેવ બહુ સુંદર હતી, ગમે ત્યાં લઈ જાય એમના ખેતરમાં. તે જઉ ખરો બધા જોડે, પણ હું કોઈ દહાડોય ઘરે બાંધી ના લાવું. કોઈ દહાડો ઘેર કશું લાવ્યો નથી.
ત્યાં આગળ મોગરી ખાધી એટલી ખરી, મકાઈ હોય એમના ખેતરમાં તો એકાદ ખઉં ખરો. ત્યાં જ ખાતો, બાકી હું હાથમાં ઝાલું નહીં કશું. અમારા ભઈબંધો કહે કે “પડીકું તો લઈ લો.’ હું કહું કે “ના, કોઈ દહાડો એક રીંગણુંય ના લઉં. હું અડું નહીં કોઈ દહાડોય.” પછી પેલો મૂળ ધણી હોય ને, તે થોડુંક બાંધીને ઘેર આપી જાય.