________________
જ્ઞાની પુરુષ (ભાગ-૧)
દાદાશ્રી : આખી જિંદગી જાણીને છેતરાયા’તા. કશું લેવાય નહીં, દેવાય નહીં તોય !
૨૫૬
એમનો દોષ જોયો જ નથી, મારી જ ભૂલ
હવે એમનો દોષ નથી, પણ હું શી રીતે ગાડું નભાવતો હોઈશ ? એમનો દોષ જ જોયો નથી કોઈ દહાડોય, મારી જ ભૂલ છે આ. હિસાબને આ બધો. બીજું કંઈ વેર હશે ને પૂર્વભવનું, તે પૂરું કર્યું. ગામમાં કોઈ એમને સારા ના કહે, કોઈ પણ માણસ એમ ના કહે, એમનો ભાઈ, એમનો ભત્રીજો, કોઈ નહીં.
તે મેં પછી એમને માટે ત્યાં રૂપિયા વ્યાજે મૂક્યા. બીજા એક હજાર એમ ને એમ આપ્યા એમના હાથમાં. તે પછી એમને સ્ટેનલેસ સ્ટીલના ડબ્બા જોઈતા’તા. વેચાતા મંગાવાનું કહેતા'તા. ત્યારે મેં કહ્યું, ‘અહીંથી આપશે. તમે હજાર ત્યાં આપી દેજો, તમને અગિયાર હજારનું વ્યાજ આપશે. તે એકસો દસ રૂપિયા મહિને વ્યાજ એમને આપે છે.’ ત્યારે કહે, ‘ભાદરણ બેંકમાં મૂકો તો ?' ત્યારે મેં કહ્યું, ‘ના, અહીં આમને ત્યાં રાખીશું.’
હવે આવું બધું પણ હું તો સમજું. આવું બોલે તે સમજું. છોને મને મૂરખ સમજશે, બીજું શું સમજશે ?
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : એમનો એક કાયદો, લેવું તો દાદાને છેતરીને લેવું અને હું છેતરાઉ નહીં. પણ ‘હું છેતરાઉ છું’ એવું એમને દેખાડો કરી આપું બધું. તેથી આપણા કવિએ લખ્યું ને, લોભિયાથી છેતરાય અને વીતરાગ ચાલ્યા જાય. લોભિયાને લોભ કરવા દઈએ. મૂળ સ્વભાવ તો જાય નહીં ને બિચારાનો. લુચ્ચો હોય તો લુચ્ચાઈ કરવા દઈએ. એટલે બધું જાણીને કરવા દઈએ. પણ આપણે તો આપણે ગામ જવું છે. છોને, એ તો કરે.
છેતરાય તો જવા દે આપણા ગામે
પ્રશ્નકર્તા ઃ બરાબર છે, આપણે આપણા ગામ જવું છે. માનીને માન આપી, લોભિયાથી છેતરાય.