________________
૨૮૨
જ્ઞાની પુરુષ (ભાગ-૧)
પ્રશ્નકર્તા: એ બરોબર છે, પાછું આપી દેવાની વાત.
દાદાશ્રી : વગરકામનું, વણતોલ્યું આ. તમને આપી ગયેલું કોઈ વણતોલ્યું?
પ્રશ્નકર્તા: ના, હજી સુધી નથી આપ્યું. દાદાશ્રી : ત્યારે સારું. બાકી આ તો દુનિયા વણતોલ્યું આપી જાય.
દાદાતા કડક શબ્દો ઊતારે ઘેન પ્રશ્નકર્તા : દાદા, તમે પણ એ લોકોને લડતા હશો ને ?
દાદાશ્રી : તે એક છત્રીસ વર્ષનો બી.કોમ. થયેલો મોટો ઑફિસર હતો, અમારો ભત્રીજાનો છોકરો, એટલે હું દાદો થઉં એનો. એ જમાનામાં તો બી.કોમ. થયેલા એ બહુ મોટા ઑફિસર ગણાતા હતા. તે મને આવીને કહેવા માંડ્યો કે “દાદાજી, મારા મધર ઑફ થઈ ગયા તોય મારે હજુ કહેવું પડે છે, કે એ બહુ પક્ષપાતી હતા.” એટલે આ જ્ઞાન થતા પહેલાં બે વર્ષ અગાઉની વાત છે. એટલે ત્યારે જ્ઞાન થયેલું નહીં અને કોઈ પણ વાતનો જવાબ આપવાની મને પ્રેક્ટિસ. એટલે પછી મેં એને કહ્યું, ‘તારી બાએ પક્ષપાત કર્યો એ વાત તારી દૃષ્ટિએ સાચી ભઈ, પણ તારી બાએ તને શું કર્યું છે એ હું કહી આપું હવે. તારી માએ તને નવ મહિના પેટમાં રાખ્યો'તો અને પછી અઢાર વર્ષ સુધી પાછળ કુરકુરિયું ફેરવે એમ ફેરવ્યો. એટલે આજે તારી મા ખરાબ છે ને તારી વાઈફ સારી છે એમ ? મૂઆ, વચનની તુલના કરતા નથી આવડતી ? વહુની વાત સાચી ? ગુરુ (પત્ની) દેખાડે છે એમ શીખું છું તું ! આ નવ મહિના તને પેટમાં રાખનાર કોણ કહે તે? આવડા મોટા ઑફિસરને ! અને ભાડું-બા દીધું નથી તે, નવ મહિના આરામ કર્યો તેનું. તે ફરી બોલ્યો નથી એ. આવું બોલાતું હશે ? આવું કેવું ? મા, મા ના કહેવાય ?” પણ આ જુઓને, “આ મારી માએ પક્ષપાત કર્યો કહે છે ! બોલાતું હશે ? કર્યો હોય તોયે ના બોલાય. મધર એટલે મધર. તમને કેમ લાગે છે ?
પ્રશ્નકર્તા : બરાબર છે.