________________
૨૮૦
જ્ઞાની પુરુષ (ભાગ-૧)
તૈયાર છું પણ મજબૂત થાવ. તમારા શિંગડા વધે ને એ શિંગડાથી મને મારશો તોય મને વાંધો નથી પણ તમે શિંગડાવાળા થાવ. એટલે એવા શક્તિવાળા થાવ. પાછા ના પડશો.” આવું મેં છૂટ આપેલી બધી. કંઈ એ પાછળ રહે, એના કરતા આગળ વધે એ સારો. પાછળ રહે એટલે આપણે માથાકૂટ કરવી પડે. એની મેળે વધતો હોય તો સારું છે ને?
પ્રશ્નકર્તા : હા, દાદા.
દાદાશ્રી : જ્યારે આપણા લોકો તો પાછું પાડવાનું ખોળ ખોળ કરે. મેં શું કહેલું કે આઈ વિલ હેલ્પ યૂ. મેં આખી જિંદગી એવું જ રાખેલું.
સામાની જે શક્તિ વખાણી, તે પોતાને પ્રાપ્ત થાય પ્રશ્નકર્તા : મને આવું કહેવાની શક્તિ આવે ?
દાદાશ્રી : હા, હા, આવું જુઓ ત્યારે હિંમત આવે ને બળી. આ બધા મને કહે છે, “દાદા, એવી શક્તિ અમારામાં ક્યારે ?” કહ્યું કે આમાં જેટલા શક્તિશાળી છે, એને આપણે વખાણીએ કે “ઓહો ! કેવી સુંદર શક્તિ છે !” એ તમને પ્રાપ્ત થઈ જાય બસ. આ નિયમ છે દુનિયાનો. શક્તિ એને પાછો પાડવાથી પ્રાપ્ત ના થાય. એને પાછો પાડીને તમે આગળ આવો એવું ના થાય. એને વખાણીને, એને જવા દઈને, તમે આગળ આવો. સ્પર્ધા એવી હોવી જોઈએ કે એને વખાણીને પછી એની આગળ જાવ. એને વગોવીને, એને ડિપ્રેશન આપીને, એને ઊંધા રસ્તે નાખી દઈએ એને સ્પર્ધા ના કહેવાય. સ્પર્ધા એટલે હેલ્પ, ‘તું તારી મેળે ચાલ, તને જોઈતી હોય તો હેલ્પ આપું ને તું હવે સ્પર્ધામાં ચાલ.”
અમે તો નાનપણથી જ આવું હેલ્પ કરવાનું નક્કી કરેલું પણ આ બધા વૈડિયાઓને મેં જોયેલા. સહેજ કોઈ આગળ વધ્યો કે મારી-ઠોકીને, ધક્કો મારીને એને પાછળ પાડી દેશે. અને કોઈ પાછળ રહી ગયો હોય તો એને આગળ લઈ આવશે, પણ એને કહે, “મારી પાછળ રહે.” આ બધા ખોટા જ ને ! આ કેટલું બધું ડેવલપમેન્ટ કાચું છે ! મને બહુ ચીઢ ચઢે કે આ કઈ જાતના લોકો છે ? અને મને શિંગડા મારશો ત્યારે મને એમ લાગશે કે આ ડાહ્યો છે. પણ તમે મારાથી આગળ વધજો.