________________
૩૦૬
જ્ઞાની પુરુષ (ભાગ-૧)
બિચારાને ગજવામાં બાર-ચૌદ આના પૈસા. મને તાવ આવેલો અને એ જેઠાભાઈને ત્યાં ગયો હશે, ત્યારે જેઠાભાઈની વહુએ પૂછયું, “કાકાની તબિયત કેમ છે ?” ત્યારે કહે છે, “એમને તાવ આવ્યો, તેમાં મારે શું લેવાદેવા ? એ તો આવે તાવ તો !” એટલે પછી જેઠાભાઈની વહુને રીસ ચઢી, તે પાછા અહીં આવીને બાને કહ્યું, ત્યારે બા કહે છે કે “આવું બોલે છે આ.” ત્યારે મેં બાને કહ્યું, “છોને બોલે. ત્યારે બીજું શું કરશો તમે ? ઉપાય છે કંઈ બીજો ? માટે એનો એવો ઉપાય કરો કે જેથી ભાંજગડ ના થાય આપણને.”
અમે કેવા અહિંસક ઉપાય કર્યા ! કશી ભાંજગડ નહીં. તે બે-ત્રણ દહાડા પછી એ કહે છે, “મારે જવું છે ઘેર.” તે એણે લૂગડાં-બૂગડાં લઈને ઠંડવા માંડ્યું, મને તો ખબરેય ના પડી. એટલે પછી શંકરભાઈ આવ્યો, ત્યારે એ કહે છે, “વિઠ્ઠલભાઈ તો ગયા.” મેં કહ્યું, “અલ્યા, એની પાસે બાર-ચૌદ આના હતા, શેમાં જશે એ ભાદરણ ?' તે આ કંઈ પાંચની કે દસની નોટ હશે, તે મેં કહ્યું, “લે આ નોટ, એને આપી આવ.”
તે પછી ત્યાં વહેલો વહેલો શંકરભાઈને દોડાવ્યો. અને પછી ત્યાં આગળ એને પૈસા આપ્યા ને, તે કહે, “કાકા ગરીબ માણસ છે, ગરીબ માણસના પૈસા મને શું કરવા આપો છો ?” તે ના લીધા. એટલે પછી આપણા રણછોડભાઈ એક દહાડો કહે છે, “આ વિઠ્ઠલને જુઓને...' કહ્યું, “શું કરવા આમ કરો છો ? સારો છે ભત્રીજો. આપીએ છીએ તોય નથી લેતો જે ભત્રીજો, તે આ દુનિયામાં ખોળી લાવો જોઈએ.” આપણે આપીએ ને તો એ કહે છે, “તમે ગરીબ છો, તમારું ના જોઈએ મારે.” એટલે આવા ભત્રીજા કંઈથી લાવીએ અમે ? આપણે આપીએ તો લોક લઈ લે કે ના લઈ લે ?
પ્રશ્નકર્તા : લઈ લે.
દાદાશ્રી : ગજવામાં ના હોય અને આપીએ તોય ના લે. એટલે રણછોડભાઈ બહુ ખુશ થયા. મને કહે છે, “મને આ કળા ગમી. તમે ખરી કળા ખોળી કાઢી.” ત્યારે મેં કહ્યું, “શું થાય, આમ જોડે રહેવાનું ? કંઈ કળા ના ખોળી કાઢીએ તો શું થાય છે?”