________________
[૯] કુટુંબ-પિતરાઈ-ભત્રીજા
૨૮૧
વણતોલ્યું-વણમાણું પાછું મોકલી આપું પ્રશ્નકર્તા આપે વાત કરી કે કુટુંબમાં અંદરોઅંદર ઘડીકમાં વઢવઢા થઈ જાય તો તે વખતે જ્ઞાન પહેલાં તમે શું કરતા હતા ?
દાદાશ્રી : અમારા વૈડિયાઓને એક કૂવામાં ભાગ હતો. તે સામસામી ગાળો ભાંડતા'તા. તે મેં થોડી સાંભળેલી. પછી કોર્ટે ગયા. એટલે આવું ને આવું બધું, ઝઘડા ને ઝઘડા અને પાછા એકેય થાય. એક ખડકી ખરી તે પાછા એક થઈ જાય પણ લઢેય ખરા. લઢવાનું થાય તે આવડું આવડું, કંઈ નાનું નહીં, નોબિલિટીથી ! કરકસર ના રાખે.
પ્રશ્નકર્તા : વણતોલ્યું, વણમાગ્યું.
દાદાશ્રી: હા, વણતોલ્યું ને વણમાગ્યું. એક અમારો ભત્રીજો હતો, તે જ્યારે આવે ને, ત્યારે બોલતો બોલતો જ આવે. એટલે પછી જ્યારે જવાનું થાય ને ત્યારે મેં કહ્યું, ‘તમારી પોટલી લઈ જાવ. પણે મૂકી રાખી છે, હો !” ત્યારે કહે, “પોટલીમાં કશુંય નથી, એ તો થેલી એકલી જ હતી.” ત્યારે મેં કહ્યું, ‘પણ મહીં સામાન હતો ને !” એ પેલું વણતોલ્યું ને વણમાગ્યું આપ્યું હોય ને, એટલે હું મૂકી આપું પાછું, તે હું ક્યાં સંઘરું તે ? હું એનો કાકો થતો'તો, પણ વણતોલ્યું મને મોકલી આપે.
હવે શું થાય ? કાકા થયા એટલે બોલે જ ને ! બીજો કોઈ બહારવાળો બોલે તો મારીએય ખરા કે એની જોડે કંઈ વઢવાડેય કરીએ કે એનો નિકાલ કરીએ પણ આ તો કશું થાય નહીં આપણાથી.
પ્રશ્નકર્તા : પણ દાદા, સ્વીકારો નહીં તો પાછું એને જ આવે ને ? જો સામો સ્વીકારે નહીં તો પાછું કોની પાસે જાય ? આપનારની પાસે જ જતું રહે ને ?
દાદાશ્રી : એ વાત જુદી, એ જ્ઞાનની વાત થઈ ગઈ. એ જ્ઞાનની વાત હોય નહીં ને તે દહાડે તો. તે દહાડે તો મારી પચ્ચીસ વર્ષની ઉંમર, ત્યારની વાત છે. પણ આટલું સમજી ગયેલો કે આ ગમે તે પણ એની દુકાનનો જે માલ હોય એ આપે લોકો. એ આપે છે બિચારા, તે મૂકી રાખવાનો પછી. પાછો જતી વખતે કહીએ કે “લઈ જા તારો.”