________________
૨૭૬
જ્ઞાની પુરુષ (ભાગ-૧)
સ્વભાવ એવો બધાનો. આ બધા કાકાના દીકરા તીખા લ્હાય જેવા, એક પાંચ મિનિટમાં લઢી પડે અને દસ મિનિટ પછી જોડે જમવા બેઠા હોય !
પ્રશ્નકર્તા ઃ આજે એવું કહેતા'તા કે બહાર ઝઘડીએ પછી ઘેર આવીને કશું નહીં.
દાદાશ્રી : તે ને તે ઘડીએ, તરત જ આઈસ્ક્રીમ ખાવા બેસી જાય. બધા ઝઘડઝઘડા, ‘તને કોણ પૂછે છે' એવું કહે !
અંદરથી ચોખા, ઘડી પછી કશું નહીં. પણ લઢલઢા ભારે. કો'ક તો જાણે કે હવે આ ઘર તૂટી ગયું. હવે પચ્ચીસ વરસેય ભેગા નહીં થાય આ લોકો અને એ પાછો આવે ત્યારે અમે જોડે જમતા હોઈએ. તે પેલો હઉ વિચારમાં પડી જાય, કઈ જાતના લોક છે આ ! ઓછા માણસ આવા હોય.
પ્રશ્નકર્તા: મારે એને મોઢે કહી દેવાનું, એ મને મોઢે કહે. પાછળ કશું નહીં.
દાદાશ્રી : હા, કપટ નહીં. નહીં તો મન તૂટી જાય, આ મન ના તૂટે. પ્રશ્નકર્તા : કપટવાળું હોય તો મન તૂટી જાય ? દાદાશ્રી : તૂટી જાય. આ તો ચોખ્ખા, પ્યૉર. અહંકાર જ ભારે.
પ્રશ્નકર્તા : પણ કપટવાળો હોય તો ઝઘડો ના કરે ને ઝઘડો વાળી લે.
દાદાશ્રી : કરે નહીં, પણ થઈ જાય તેને શું કરે ? જાણી-જોઈને કરે નહીં પણ થઈ જાય છે, સામાને કરવો હોય તો. આપણે ના કરવો હોય, સામાને કરવો હોય.
ભત્રીજાઓ મોટા પણ વિજય બહુ રાખે અમારો
આ તો ઘડી પછી કશું નહીં. એના (ભત્રીજાના) ફાધર (કઝીન બ્રધર) જોડે બહુ લડું હું. તે જુએ બધા. વીસ વરસ મોટા તોય આવડા આવડા શબ્દો કહું.