________________
[૮.૪] ભાભીના ઊંચા પ્રાકૃત ગુણો
ઊંચું ચારિત્ર અને શીલવાતપણું
પ્રશ્નકર્તા : ચારિત્રમાં ભાભીનું ટૉપ ક્લાસ દેખાણું આપને ?
દાદાશ્રી : હા, આખી પોળમાં નામ ના દેવાય કોઈથીય. નામ દીધું તો આવી બન્યું. સિંહણ જેવી બાઈ ! કોઈ છંછેડવા જાય તો આંખ કાઢે ને, તે પેલો ધ્રુજી જાય. કારણ કે શીલવાન! એમાં બે મત નહીં. કોઈ પુરુષ દૃષ્ટિ બગાડી ન શકે. જો કોઈ દષ્ટ એમના તરફ બગાડે તો મરી ગયો જાણો. ઉપ૨થી મારે એવા, જ્યાં ને ત્યાં ચંપલથી મારે, આખું બજાર ઊભું હોય તોય. સાંધા તોડી નાખે એવી, આ રજપૂતાણી જેવી બાઈ !
ચારિત્રમાં બહુ ઊંચા હતા, સતી જેવા. ચારિત્ર એવું કોઈનું જોયેલું નહીં. આખા ઘરમાં એમનું ચારિત્ર તો મેં બહુ ઊંચું જોયેલું. ભાભીનું ચારિત્ર એક નંબરનું, હાઈ ક્લાસ ચારિત્ર ! આ સ્ત્રીઓના જેવું પહેરવાનું ના હોય એમનું. આખા ભાદરણ ગામની બધી સ્ત્રીઓની કહો તો પગની પાનીઓ દેખાય, આમની પાની નહીં દેખાયેલી કોઈ દહાડો. પણ આ ભાભી સાડી પહેરે ને, એમની સાડી હોય ને આટલે સુધી, તો પગની પાની એક દોરોય ના દેખાય. કોઈ દહાડો દેખાયું નથી આમ ચાલે તે ઘડીએ અને સાડલો ધૂળવાળો થાય નહીં, નીચે ધૂળ અડે નહીં. તું સમજી ગઈ ?
પ્રશ્નકર્તા : સમજી ગઈ. કેટલા હોશિયાર હશે ? કેવા હોશિયાર !