________________
૨૧૬
જ્ઞાની પુરુષ (ભાગ-૧)
ચીઢનો, રીસનો માર્યો. આપણે જોયેલું નહીં ને આવું બધું. આપણે તો લહેરથી ખાધેલું-પીધેલું. પછી અહીં આવું તે શી રીતે ફાવે ? મણિભાઈ જાણે નહીં બિચારા. હું કહું તો ફરિયાદ થાય, તો એમને કાઢી મેલે ઘડીમાં, એક સેકન્ડમાં જ ! આવું જગત આ બધું ! મારે દસકો બહુ રાશી ગયેલો, ભાભી જોડે.
પ્રશ્નકર્તા: તમને ભાવતી વસ્તુ ના આપે ?
દાદાશ્રી : હા, વેઢમી જ્યારે હોય ત્યારે મને ઘી તો મળે જ નહીં, જોઈએ એવું. એટલે મેળ પડે નહીં મને, મજા ના આવે. મારો શોખ પૂરો થાય નહીં. એટલે પછી રોજ મતભેદ પડ્યા કરે, ભાંજગડ થયા કરે ને મને રીસ ચડ્યા કરે. પણ આ સહન કરવાનું લમણે લખેલું હોય તે તો કરવું પડે ને ! છૂટકો જ નહીં. લમણે લખેલું નથી કરતા લોકો ? ક્યાં લખેલું કરે છે?
પ્રશ્નકર્તા : લમણે લખેલું કરે છે.
દાદાશ્રી : પણ બે, એક તો લમણે લખેલું ને પછી પાછો કકળાટ. જમવા બેઠા ત્યારે ભાભી દરરોજ જમવાના વખતે જ ભાઈને ફરિયાદ કરે બધી. તે ભાઈનું જમવાનું બગાડે ને મારે હેડેક થાય. મને હેડેક થાય ને, કારણ હું મોટાભાઈના પ્રેશરમાં હોઉં, મારાથી બોલાય નહીં અક્ષરેય. અને ભાઈનું જમવાનું બગડે બિચારાનું, સારા માણસનું, આ કકળાટ કરવાની ટેવ ભાભીને પડેલી !
ભાભીથી પરવશ રહેવા કરતા ભાગી છૂટો અહીંથી
તે પછી એક દહાડો બહુ બોલાબોલ થઈ ભાભી જોડે, ભઈ નહોતા તે વખતે. એટલે મને મનમાં બહુ ખોટું લાગ્યું. ત્યારે એવું થાય ને મને, કે હું તો ભગવાનને ગાળો ભાંડું, એવો છું. મારો ગુનો હોય તો કહી દે. શેને માટે પણ આ બધું ? શેને માટે પરવશ રહેવાનું આપણે ? મને મનમાં એમ થયું કે બળ્યું, આ ભાભીથી દબાઈ રહેવું આના કરતા તો આપણે સ્વતંત્ર કરી ખઈએ તે સારું, પછી જે કંઈ કરીએ તે.