________________
જ્ઞાની પુરુષ (ભાગ-૧)
એને અમદાવાદ આવવા એના ફાધરે ચાર આના આપ્યા નહોતા. એની પાસે ભાડું હતું નહીં, તે મિત્ર મને કહેતો’તો કે ‘મારે અમદાવાદ જવું છે ને ફાધર આપતા નથી ચાર આનાયે. ભાડું-બાડું કશુંયે છે નહીં.’ તો મેં કહ્યું, ‘હું તને પાંચ રૂપિયા આપું છું.’ તે દહાડે પાંચ એટલે પાંચસો જેવા હતા. ‘તે પાંચ રૂપિયા ઘણાં છે, તો તો મારો ભયો ભયો થઈ ગયો' કહે છે.
૨૨૦
તે મેં આપ્યા. ‘તું જા, તારી મેળે ધંધો કર' કહ્યું. મારી પાસે પૈસાબૈસા બીજું ના હોય, પણ આવું ભાડું-બાડું આપું નાનપણમાં. એટલે પાંચ રૂપિયા લઈને એ આવ્યો'તો. એટલે પછી એ મિત્ર પાછો બહુ ઉપકાર માને. એટલી બાબત માટે કે ‘તમે પૈસા આપ્યા તો હું અમદાવાદ આવી શક્યો' કહે છે. એટલે બહુ રાખતો'તો.
કોઈને ત્યાં જવાતી ઈચ્છા નહીં, તે એડ્રેસ રાખું તહીં
એ મને કાગળ લખ લખ કરતો’તો, ‘અહીં આવો, અહીં આવો, અહીં આવો.’ ત્યારે મેં કહ્યું, ‘હેંડોને ત્યાં જઈએ.’ પણ એડ્રેસ-બેડ્રેસ કોઈનું લેતો નહોતો પહેલેથી. આજેય લેતો નથી. કારણ મારે જવાની ઈચ્છા જ નહીં કોઈને ત્યાં. એટલે એડ્રેસ કોઈનું રાખું નહીં, ભઈબંધ હોય કે ગમે તે. એ મારું લખી લે પણ હું તો કોઈનો ટાંકો જ નહીં મારતો ને ! અત્યાર સુધી ટાંકો (નોંધ) નહીં મારેલો કોઈનો. ક્યાં રહે છે એ ત્યાં આગળ કો'કને પૂછવું પડે, તો પછી શું થાય?
પાછો એટલો બધો મનનો પાવર કે મારે વળી તારું એડ્રેસ શું કરવું છે ? મારે જે વખતે જરૂર હશે તે મળી આવશે. મારે વળી ક્યાં જવાનું છે ત્યાં આગળ ? અને જવાનું હશે ત્યારે એ સામો તેડવા આવશે. એટલે એ પાવરમાં સરનામું કોઈનું લખેલું નહીં. આખી જિંદગીમાં કોઈનું એડ્રેસ મેં લખ્યું નથી. એટલે પેલાનુંય એડ્રેસ નહીં લીધેલું. જ્યારે જઈશું ત્યારે હઉ મળી રહેશે.
હવે તે દહાડે મુશ્કેલીમાં મૂકાયો. એ તો ફસામણ થઈ ગઈ તોય મનમાં એમ નક્કી કર્યું કે દહાડાની ગાડી છે ને, એટલે વાંધો નહીં. અગિયારની ગાડી બપોરની એ તો આમ ચાર કલાક પછી પહોંચી જાય.