________________
[૮.૨] ભાભીને ઉપકારી ગણ્યા
ભાભીએ ઉતાર્યો અમારો અહંકાર અમને હીરાબાએ પજવેલા નહીં. હીરાબાએ તો દુ:ખ જ નથી દીધું કોઈ દહાડો. ઝવેરબાએ નહીં, મણિભાઈએ નહીં, મૂળજીભાઈએ પણ નહીં.
આ ભાભીએ જરા પજવેલા, હિસાબ હશે ને પાછલો ? પ્રશ્નકર્તા : હિસાબ સિવાય હોય જ નહીં ને !
દાદાશ્રી : બધા હિસાબ જ, એ તો મને ખબર જ પડી ગયેલી પહેલેથી કે આ હિસાબ ચૂકતે કરે છે.
પ્રશ્નકર્તા : ખબર પડી ગયેલી તોય પણ આપને ઝઘડો થયા કરે ભાભી સાથે ?
દાદાશ્રી : બહુ, આખી જિંદગી ચાલેલો. હજુય ચાલે છે. હજુય ખૂટતો નથી. મારા ભાભી કહે છે કે “તમારામાં ક્રોધ છે, ત્યાં સુધી સર્વજ્ઞ નહીં થાઓ.” ત્યારે મેં કહ્યું, “મેં જરાક ક્રોધ એક ખૂણામાં રાખી મૂક્યો છે ને તે તમારે માટે જ રાખી મૂક્યો છે.”
એ તો જરા આમ ચોખ્ખા માણસને, એટલે કકરા હોય બળ્યા ! એય કકરા ને હુંયે કકરો. પછી જોઈ લ્યો મજા ! બન્નેય કકરાને !
પ્રશ્નકર્તા : તે એ કેમ છોડી નથી દેતા?