________________
૨૪૬
જ્ઞાની પુરુષ (ભાગ-૧)
મનેય હિતકારી થઈ પડ્યા ભાભી
એટલે મને તો યાદ આવતું હતું. મારે શું કરવું પડતું'તું ? રાત્રે ઊઠીને પછી મને વિચાર આવે. હું વીસ-બાવીસ વર્ષે શું કહેતો'તો કે ‘નરસિંહ મહેતાને એમના ભાભીએ કહ્યું એક વચન, તે મહેતાને લાગી દાઝ; તે મને આ ભાભીએ કહ્યું વચન, એનાથી મનેય દાઝ લાગ્યા કરતી’તી.’ ત્યારે મેં કહ્યું, ‘આપણે સરખું છે, નરસિંહ મહેતાને ને આપણે.’
એવું મને આ હેલ્પ થયેલી આમનાથી. એ ભાભીએ હેલ્પ શું કરી ? તે આવું કરે એટલે પછી એનું રિએક્શન આવે. એટલે રાતે મનમાં વિચાર કરું કે નરસિંહ મહેતાને ભાભી હિતકારી થઈ પડ્યા, મનેય હિતકારી થઈ પડ્યા. એનો સવળો ઉપયોગ કરું તો કામ નીકળી ગયું ને ! આપણે આ રસ્તો મળ્યો છે, લાભ ઉઠાવવો હોય તો લાભ ઉઠાવાય, નહીં તો મોહમાર્ગે ચઢી જાત, ક્યાંય મોહમાં અથડાત ! પણ તેમણે ખરી લાલબત્તી ધરી દીધીને આમ ! સારું થયું ને આટલું, મને બહુ આનંદ થયો. મનેય ભાભી કામ લાગ્યા ! તે આ અમે પાંસરા થયા, નહીં તો પાંસરા ના હોત ને ?
એ મારા મોહને તોડી જ નાખે. એ પોતે મોહને તોડવા માટે નહોતા કરતા, મને સુખી ના થવા દેવો એ હેતુથી. હું બહુ પંપ મારું તોય મહીં મોહ ઉત્પન્ન થાય નહીં. કારણ કે અહંકાર ત્યાં મોહ ઊભો રહે નહીં અને સર્વસ્વ ઘેરી લીધેલો અહંકારે.
જ્ઞાતી થવામાં તિમિત્ત ભાભી
હું એમને કહું છું ને, ‘તમારે પ્રતાપે આ થયો છું.’ મેં એમને એમેય કહેલું કે નરસિંહ મહેતાને એમના ભાભી મળ્યા તે એ ભગત થયા મોટા અને તમે મને મળ્યા તેથી હું ભગવાન થઈ જઈશ ! મને આ ભાભી મળ્યા છે તે મને મોક્ષે જવાનો રસ્તો મળી ગયો.
પ્રશ્નકર્તા : અને આપ ખરેખર થઈ ગયા દાદા ભગવાન !
દાદાશ્રી : હા પણ નિમિત્ત એવું હતું એ. નિમિત્ત ખરા ને ? નિમિત્ત કહેવાય ને ?