________________
૨૪૦
જ્ઞાની પુરુષ (ભાગ-૧)
દાદાશ્રી : મારે પાળવાની ઈચ્છા નહીં, પણ ચા પીતા પીતા ઢળી'તી. તે લપક લપક કરવા આવી એટલે મેં દૂધ મેલાવ્યું. નાના નાના બચ્ચા ફરતા ફરતા આવે, એટલે મેં જરાક દૂધ રેડી આપ્યું. મારા મનમાં એમ કે બિચારા ભૂખે મરી જશે ! ઓહોહોહો ! આ દુનિયાના પાલક આવ્યા ! કોણ આવ્યા?
પ્રશ્નકર્તા એના પાલક આવ્યા.
દાદાશ્રી: દુનિયાના પાલક આવ્યા ! બિચારા ભૂખે મરી જશે ! મેં કહ્યું, “એમ કંઈ નથી કરતા. આ તારો જ ડખો છે, મૂઆ !”
પછી તો ટેવાઈ ગયા. એક ફેરો આવ્યું એટલે પેડ્યું. એટલે પછી પાસે ને પાસે બેસી રહે. અને પછી તો એટલું બધું પાસે આવી ગયું. પછી તો ખસે જ નહીં ને ! આવી ફસાયા ભાઈ, આવી ફસાયા ! તે એમ કરતું કરતું મોટું થયું અને બહુ સમજણું થઈ ગયું. તે હું ઘેર આવું ત્યારે આપણા (બિલાડી) બા છે તે રાહ જોઈને બેસી રહ્યા હોય કે ભઈ, હમણે અગિયાર વાગે આવશે, સાડા અગિયારે, એટલે સાડા બાર-એક વાગ્યા સુધી મોડું થયું હોય તોય ત્યાં આગળ આગલા દરવાજે આવીને બેસી રહે, આમ કરીને બેસી રહે.
હું આવું એટલે એ તરત પાછળ ચાલવા માંડે એમ ને એમ ત્યાંથી જ, જોતાની સાથે જ.
પ્રશ્નકર્તા કંઈક ઋણાનુબંધવાળું હશે ત્યારે જ ને?
દાદાશ્રી : હા, હશે ત્યારે જ ને ! એ કહે, “હવે જમવા-કરવાનું બધું મળશે.” એટલે આટલી બધી ફસામણ થઈ'તી. તે પછી અમારા ભાભી આવ્યા ને, એ જરાક કઠણ સ્વભાવના. અને સ્વામીનારાયણ ધર્મ પાળે, તે કુતરા-બિલાડાને અડાય નહીં એમનામાં. તે હું જ્યારે બહાર ગયો હોઉને, ત્યારે ભાભી બિલાડીને મારે સારી પેઠ. અડી જાય તો એમને ખવાય નહીં ને ! એટલે મારે કાઢી મેલવા હારુ. “આ રાંડ જતી રહે ને. તો આ ભાઈને જે લફરું વળગ્યું છે તે છૂટી જાય!' એવું કહે.
હીરાબા : પણ એમને તો બચકું ભરી લીધું હતું ને !