________________
[૮.૧] ભાભી સાથે કર્મોનો હિસાબ
૨૩૭
સારા ! વાંદરો ઘાને પહોળો કરી કરીને મારી નાખે એવું તમે એમને કહી કહીને કરો છો, તો તમારામાં ને વાંદરામાં ફેર શો ? લોકોને રડાવા માટે આવો છો કે હસાવા માટે આવો છો ? આ તો આશ્વાસન આપવા જવાનું, એને બદલે બિચારાને મારી જ નાખે ! પણ જગતનો કાયદો એવો છે કે આશ્વાસન આપનારો માણસ પોતે જ દુ:ખી હોય તો શું આશ્વાસન આપે? એ તો એની પાસે જે છે તે જ આપે. એટલે આજે લોકો દુ:ખી છે ને ! એટલે આપણે સામાને એમ કહેવાનું કે “કોઈ માણસ સુખી હોય, અંતરના સુખવાળો હોય તો અહીં પધારજો, નહીં તો અહીં પધારશો નહીં અને ઘેર બેઠા આશ્વાસન પત્ર લખી નાખજો.' આ ભૂતાને અહીં નકામાં શું કરવાના? આ ભૂતા તો આવીને બિચારાને ઊલટા રડાવે.
ભાભીના સગા ઓળખીતે તે ગભરાયા પ્રશ્નકર્તા: મોટોભાઈના ઓફ થઈ ગયા પછી ભાભી સાથે કેવું રહ્યું?
દાદાશ્રી : અમારા ભાઈ ઓફ થઈ ગયા પછી ભાભીએ એક ફેરો ત્રાગું કર્યું. રાંડ્યા પછી લગભગ બે-ત્રણ મહિના થયા હશે. તે બા ને બધાના મનમાં ગભરામણ થઈ ગઈ કે આ બઈ જીવશે નહીં. મેં કીધું, “કશું થવાનું નથી. આ બઈ તો બધાને મારીને મરે એવી છે. અમથા બધાને દબડાવે છે. તે ત્રાગું શું કર્યું ? અમારા મામાના દીકરા રાવજીભાઈ તે આવીને બેઠા'તા. એટલે અમારા ભાભીએ છાતી કૂટવા માંડી, આમ ઊંચા કૂદી કૂદીને ! હાય હાય કરીને કૂદવા માંડ્યા. એટલે રાવજીભાઈ અમારા ભડકી ગયા, ગભરાઈ ગયા છે !
પછી મેં એમને કહ્યું કે “રાવજીભાઈ, કેમ અશાંત થઈ ગયા? મોઢા પર આટલું બધું શું થઈ ગયું છે ?” એટલે રાવજીભાઈ મને કહે, ‘ભઈ, ભાભીને આ શું થયું છે ?” મેં કહ્યું, “કશું થયું નથી, કસરત કરે છે. તમે ગભરાવ છો શું કરવા ? તમને મજા નથી આવતી ? કેટલું સરસ આ કૂદે છે તે ! આ કેટલી બધી કળા કરે છે !” તો કહે, “આવું બોલાય ?” તે મેં કહ્યું, “હા, જુઓ તો, આ જોવા જેવું જ છે. આ તો હમણે ચા પીશે. તમે બેસો ને. અહીં બેસો આપણે, હમણે ચા-બા પીએ છીએ. એમના મનમાં જે ઉછાળો છે ને, તે કૂદી રહે, એટલે પછી આપણે ચા પીએ.’ મેં હોકારો