________________
[૮.૧] ભાભી સાથે કર્મોનો હિસાબ
૨૨૭
હવે ક્યાં આગળ ઘર ખોળવું ને આ શિયાળામાં ક્યારે દહાડો વળશે ? આમ તો આખી રાત ફરીશું તોય નહીં જડે. આપણે અમદાવાદના ભોમિયા નથી. અમદાવાદ શહેરમાં ફરેલો નહીં. અમદાવાદમાં રસ્તા જાણું નહીં. બહુ વખત ગયેલો નહીં, બે-ચાર વખત ગયેલો.
પછી બુદ્ધિથી વિચાર્યું કે આ મિત્ર કોલસાનો વેપારી છે. માટે કંઈક રસ્તો એવો ખોળી કાઢીએ, કે એ ક્યાં આગળ ભેગા થાય ! હા, તે દહાડાની અક્કલ કહું છું, મારી અક્કલ શું કામ કરતી હતી તે દહાડે. મહીં બ્રિલિયન્સી ખરી હો ! તાળો મેળવી લઉ કે એનું એડ્રેસ ભલે નથી, પણ આ માણસ કોલસાનો વેપાર કરે છે તો આને ઓળખે કોણ ? તે મહીં અક્કલે ખુદા દેખાડ્યા. કહે છે, કોલસાનો ધંધો કરે એટલે આ હૉટલવાળા ઓળખે એમને. બધી હોટલવાળા એમને ત્યાં ઘરાક હશે.
પ્રશ્નકર્તા : હા, કોલસા લેનારો.
દાદાશ્રી : માટે આપણે હૉટલવાળાને પૂછો. હૉટલવાળો કોક જાણકાર મળી આવશે. એ કોઈ પણ હોટેલવાળો ઓળખાણવાળો નીકળશે. તે આપણે હૉટેલવાળાને પૂછતાં પૂછતા જઈએ તો કંઈક ઠેકાણું પડે.
તે રસ્તામાં જતા જતા હૉટલોવાળાને પૂછવા માંડ્યું કે “ભઈ, જમનાદાસ પટેલ કરીને અહીં કોલસાના મોટા વેપારી છે, તમે ઓળખો છો ?” એમ કરતા કરતા આઠ-દસ હૉટલો પર પૂછયું. સાત-આઠ જણાએ કહ્યું કે “ના, ભઈ અમે ઓળખતા નથી.” એટલે હૉટલે-હૉટલે પૂછતા પૂછતા ગયા ત્યારે એક હૉટેલવાળો કહે છે, “હા, ઓળખ્યા. તમે કહો તો મૂકવા આવીએ. જમનાદાસ કરીને છે, ઢાળની પોળમાં.” મેં કહ્યું, ‘ઢાળની પોળ ક્યાં છે ?” તો કહે, ‘ઢાળની પોળ આમ નજીકમાં આવશે હવે. આ અહીં રહીને આ રસ્તે જ સીધા ચાલ્યા જાવ તમે આ બાજુથી.” મને રસ્તો દેખાડી દીધો. એડ્રેસ-બેડ્રેસ બધું લખાવ્યું ને ત્યાં પહોંચી ગયો.
પ્રશ્નકર્તા: સાધારણ વાક્ય છે એક એટલે કે ઘર છોડીને ગયા, તો પેલા ભઈનું એડ્રેસ લીધેલું નહીં અમદાવાદનું. એડ્રેસ તો કહે હું કોઈનું લેતો નથી, મારે કોઈની જરૂર નહોતી.