________________
૨૨૬
જ્ઞાની પુરુષ (ભાગ-૧)
પડતા'તા. અને પૈસા નહોતા એ વખતે, તે ઘોડાગાડીમાં શી રીતે જવું? પૈસા હતા નહીં, કરવું શું છે ? ભાડાના પૈસા નહીં.
ત્યારે અંધારું થઈ ગયેલું. હું વિચારમાં પડ્યો કે બે આના નથી ઘોડાગાડીમાં જવાના, નહીં તો ઘોડાગાડીવાળાને કહીએ કે ભઈ, મને ઢાળની પોળે ઉતાર, તો ઉતારી દે ત્યાં આગળ બિચારો.
ઢાળની પોળ એટલું મને યાદ પણ શી રીતે જવું એ આવડે નહીં. તે પોળનું નામ એકલું આવડે, બીજું કશું ના આવડે મને. પોળમાં ગયા પછી ખોળી કાઢું તરત પણ પૈસા હોય તો ઘોડાગાડીમાં બેસાય ને ?
હવે સરનામું નહીં, ગજવામાં પૈસા નહીં, સૂવું ક્યાં? રહેવું ક્યાં ? માટે ખોળી કાઢે જ છૂટકો ને, સરનામું ના હોય તોય ? તે દહાડે ખબર પડી કે આ ટાંકો માર્યો હોય (સરનામાની નોંધ કરી હોત) તો સારું પણ ટાંકો માર્યો જ નહીં ને ! જિંદગીમાં ટાંકો મારવાની ટેવ જ નહીં, પ્રકૃતિ જ નહીં એવી.
કારણ કે મારે કોઈ દહાડો જરૂર જ નહીં કોઈને ત્યાં જવાની. અને હોય તો પૈસા લઈને નીકળે ને તે ઘોડાગાડી, ગાડી બધું સાધન હોય. પછી મારે શી ઉપાધિ ? પણ સરનામું લખું નહીં અને તે દહાડે આવું બની ગયું, સરનામા વગર શી રીતે જવું ? ઘોડાગાડી પણ શી રીતે કરવી ? પૈસા નહીં ને ! એટલે પછી ચાલતી પકડી મેં. બીજો કોઈ પાડોશી નહીં, કોઈ જોડે નહીં.
વગર સરનામે હોશિયારીથી શોધી કાઢ્યું ઘર
પછી વિચારતા વિચારતા થયું એવું ને, દરવાજાનાય નામ ના જાણું. કારણ કે આ દરવાજો આ છે કે ફલાણો એવી કંઈ પડેલી જ નહીં. કાલે જાણે કામ ના લાગવાનું હોય એવું અને જાણે નિર્ભયસ્થાને ના ફર્યા કરતા હોય એવું બધું. કોઈના નંબર કે નંબર કશુંયે ના મળે. એટલે પછી આમ ચાલ્યો તે એક દરવાજો ખોળી, એ દરવાજામાં પેઠા. પછી નામેય જાણ્યું દરવાજાનું. પછી જતા જતા રસ્તામાં કંઈ જડે નહીં. પછી વિચાર કર્યો કે