________________
[૮.૧] ભાભી સાથે કર્મોનો હિસાબ
એટલે પછી મેં તે દહાડે નક્કી કર્યું, આજ તો હેંડો, હવે અહીંથી જતું રહેવું છે. આ અહીં રહેવું જ નથી હવે. કાયમને માટે હવે ધંધો જ જુદો કરવો. આ ભાભી જોડે ના રહેવાય. ભાગી છૂટો આપણે અહીંથી. જરા વધારે પડતું થઈ ગયેલું.
એક પૈસોય જોડે રાખ્યો નહીં એવી મોરાલિટી
૨૧૭
પછી ભઈ જોડે જમવા બેઠો. ભઈ જમતા હતા અને મેં વહેલું જમી લીધું. વહેલો જમીને અગિયાર વાગે મારો લાંબો કોટ પહેર્યો તે દહાડે ઉંમર તો ત્રેવીસ વર્ષની હતી પણ લાંબો કોટ પહેરતો'તો. કારણ મૂળ કોન્ટ્રાક્ટનો ધંધો એટલે શેઠાઈ તો ખરી ને, તે બહાર શેઠાઈ તો ગણાય ને ! એટલે લાંબો કોટ પહેરું.
ધંધો કોન્ટ્રાક્ટનો ને કોન્ટ્રાક્ટના કામ પર જતો'તો. એટલે પૈસા તો હાથમાં હોય પચ્ચીસ-પચાસ રૂપિયા. આમ તો પાછા વટના કટકા ! એટલે કોટમાં ધંધાને લીધે પૈસા પડેલાને પચ્ચીસ-ત્રીસ રૂપિયા, તે બધા કાઢી કાઢીને નોટો-બોટો, પરચૂરણ-બરચૂરણ બધુંય જે હતું, ભઈના ગજવામાં મૂકી દીધું. મારા ગજવામાં એક પૈસોય રાખ્યો નહીં.
કારણ કે જ્યાં સુધી મોટાભાઈના તાબામાં છું, એમના પૈસા કહેવાય. મારા પૈસા કહેવાય જ નહીં. મોરાલિટી તે દહાડે પણ હતી. જુઓ ને, ગજવામાં પૈસા હતા તે મૂકીને ગયા. એમના મનમાં એમ ના થાય કે ધંધાના રૂપિયા હતા ને, તે લઈને ગયો છે. તે પાછળ આરોપ ના કરે. ‘કશું લીધું નથી' એવું એમના મનમાં થવું જોઈએ. ‘કશું લીધા વગર ગયો છે !' એ આપણી સિન્સિયારિટી એમને લાગે.
મોટાભાઈના ગજવામાં પૈસા મૂકી, અગિયાર વાગે નીકળી ગયો ત્યાંથી કોટ પહેરીને, ચાલ્યો રોફભેર સ્ટેશન તરફ. ઘોડાગાડીવાળા સ્ટેશનનો એક આનો લે પણ એક આનો લાવું ક્યાંથી ? મારી પાસે ગજવામાં પૈસા જ નહીં. શું કરું ? ત્યારે ચાલતા ચાલતા બરોડાના સ્ટેશન પર પહોંચી ગયો અને ગાડી ઊપડવાની પા એક કલાક વાર હતી. ગાડી અમદાવાદ જવાની હતી.