________________
૧૭૨
જ્ઞાની પુરુષ (ભાગ-૧)
ભાઈ રાજેશ્રી માણસ. જન્મ્યા'તા ત્યારેય રાજેશ્રી તરીકે અને મેં એવું જોયુંય નથી, સુખ એમણે જે જોયું છે તે.
પ્રશ્નકર્તા : પેલી ઘોડી ઉપર નહીં બેઠેલા ?
દાદાશ્રી : ઘોડી ઉપર બેઠેલો ને ! બાકી એમનો વૈભવ જોયેલો, તે વૈભવ ભોગવેલો, બસ એટલું જ.
પર્સનાલિટી ને તેજસ્વી આંખોને લીધે ફફડે બધા
મારા મોટાભાઈ તો પર્સનાલિટીવાળા. એમની હાઈ પર્સનાલિટી હતી, “મેન ઑફ પર્સનાલિટી.” એ ઝવેરબાને પેટે સિંહ જેવો પાકેલો પુરુષ ! તે દેખાયેય સિંહ જેવા ! પુણ્યેય છે ને, તે પાટીદાર જબરજસ્ત પાકેલા. સો-બસ્સો માણસો બેઠું હોય તો હબકી જાય, ભપકી જાય એમને દેખીને એવી જબરજસ્ત પર્સનાલિટી. એમની આંખ દેખીને ભડકી જાય લોકો, મોટા ઑફિસરોય. હુંય ભડકતો'તો ને મારા ફાધર હઉ ભડકતા'તા.
એમની પર્સનાલિટી એટલી બધી તે બહાર પાંચ-પચાસ માણસ ઊભું હોય અને એ બહાર નીકળે ને, તો પેલા બધા આઘાપાછા થઈ જાય, એમ ને એમ જ. સૂબા-સરસૂબા હોય તોય બધા એમને દેખીને ધ્રુજી જાય. ફોજદાર બધા આઘાપાછા થઈ જાય એમની આંખ ને મોટું જોતા. સીનો (ચહેરાનો દેખાવ) જ એવો હતો એમનો. મોઢા ઉપરનો સીનો દેખતા જ લોક ચમકે.
અમારા ભાદરણના એકેએક પાટીદાર એમને આમ દેખતા જ થથરી જાય. એ પોતે ચાલે તો એમની આંખ પડતા જ, ખાલી દૃષ્ટિથી જ આઘાપાછા જતા રહે સો માણસો એવું એમનું લાઈટ હતું.
એમની આંખો તો ભારે પ્રતાપી, વાઘ જેવી તેજસ્વી. એમની આંખ જોતા તો અહીં ખંભાતમાં કોઈ પેસેન્જર ઊભો ના રહે. આંખ એવી જબરજસ્ત, કડક માણસ એવા. એમની આંખમાં એટલું બધું તેજ, હું હઉ ફફડતો'તો ને, જાણે શિયાળવો ફફડે એવી રીતે આમ આમ થાય ! એમની સાથે બહુ બોલાય નહીં, વાતચીત ના થાય.