________________
૨૦૨
જ્ઞાની પુરુષ (ભાગ-૧)
પ્રશ્નકર્તા : ઉપવાસ છોડતા ફાવ્યા નહીં, એકદમ ખાઈ લીધું.
દાદાશ્રી : આપણે આ રમણલાલ ડૉક્ટર ખરા ને, તે રમણલાલ કહ્યું કે “જરા મોળા દહીંની છાશ હોય ને, તો વાંધો નહીં.” તે રમણલાલ છાશ અપાવડાવી. એમને છે તે છાશ પીવાનું કહ્યું અને તેથી વિકાર થઈ ગયો, પેટ બગડી ગયું.
પ્રશ્નકર્તા ઃ હા, બગડી જાય, છાશ ભારે પડે.
દાદાશ્રી : એ છાશનું પરિણામ બદલાયું. તે ડૉક્ટરના આધારે બગડ્યું છેલ્લા ઉપવાસમાં. ઉપવાસ છોડાવતા ડૉક્ટરને ના આવડ્યું ને એ ડૉક્ટરની ભૂલ થઈ ગયેલી, એમનો હિસાબ હશે તેથી.
તે વૈષ્ણવ ડૉક્ટરના હાથે બગડ્યા પછી પેલા જૈન ડૉક્ટરને બોલાવ્યા. તે પછી આપણા પેલા પ્રાણલાલ આવ્યા ને, એ કહે છે કે “ના, આવું ના કરાય. આ તો મગનું પાણી આપવું પડે. છાશ શું કરવા પાઈ ? એ ના અપાય. અત્યારે તો મગના પાણીની જ જરૂર હતી, એકત્રીસ ઉપવાસ છોડવાના એટલે. આ કઈ જાતનું બધું? હવે ઊંધું થઈ ગયું છે મહીં એ. આ બહુ મોટી ભૂલ થઈ ગઈ છે.'
ત્યારે કહે, “બનવાનું બનવાકાળે બન્યું. શું ?” આ જે બનવાનું હોય એ બની ગયું. એ જૈન ડૉક્ટર ના આવ્યા ને વૈષ્ણવ ડૉક્ટર આવ્યા. તેમને પેલા જો જૈન હોતને તો....
પ્રશ્નકર્તા : શું આપવું એ ખબર પડત.
દાદાશ્રી : હા.. મગનું પાણી અપાવડાવત. અને આ છે તે વૈષ્ણવ ડૉક્ટરે શું અપાવડાવ્યું ? છાશ અપાવડાવી, મોળા દહીંની. તે ઉપવાસ છોડાવતા ના ફાવ્યા ને રમણલાલ ડૉક્ટરની એ ભૂલ થઈ તે નિમિત્ત બન્યા. હવે એ તો નિમિત્ત માત્ર. એ તો આપણે એમને ગુનેગાર ગણતા નથી, પણ ભઈ મર્યા છે ને, તે પોતે ઉપવાસ કરીને મર્યા છે. એ એકત્રીસ ઉપવાસ કર્યા પછી એમને તબિયત બગડવાથી એમની લાઈફ ફેલ થઈ ગઈ.