________________
[૭] મોટાભાઈ
૧૭૫
દાદાશ્રી : અમારા મોટાભાઈ બહુ આકરા. તે એક વખત મહેમાન આવેલા. તે મહેમાનને સહેજ ઉતાવળ હશે, એટલે “ચા જલદી મૂકાવો” કહે છે. મને કહે છે, “તું કહી આવ્યો ચા મૂકવાનું ?” મેં કહ્યું, “હા, કહી આવ્યો.” તે ભાભીને જલદી ચા મૂકવાનું કહ્યું. તે અમારા ભાભી છે તે સ્ટવ સળગાવવા ગયા પણ સ્ટવ બરાબર સળગે નહીં.
તે સ્ટવમાં પીન કંઈ નહીં આવતી હોય કે એવું તેવું કંઈક થયું હશે, પહેલાં તો એવું હતું ને બધું ? આ તો સાંઈઠ વર્ષ પહેલાંની વાત કરું છું. અવમાં પીન નાખે અને મહીં ભરેલો કચરો નીકળ્યો નહીં. મહીં ફેંકાફેંક કરે. સ્ટવને માર-માર કરે ઉપર, એક કાંકરી ભરાઈ હશે, તો તે દહાડે સ્ટવ બરાબર ચાલ્યો નહીં. તે અમારા ભાભીને ચા મૂકતા જરા વાર લાગી. મોટાભાઈ ઉતાવળમાં હતા, તે પછી આમ ભાંજગડ થઈને એટલે અમારા ભાઈનો જરા મિજાજ ખસી ગયો. એટલે પછી મારી બા આગળ બૂમાબૂમ કરવા માંડ્યા કે પા કલાક થયો, અત્યાર સુધી તો રસોઈ પૂરી થઈ હોય અને ચાનું ઠેકાણું નથી.
એટલે આ તો અકળાયેલા માણસ, હવે એ શું ના કરે ? એટલે એ તો ચીઢિયા ખાઈને અંદર આવ્યા અને ચીઢમાં ને ચીઢમાં કહે, ‘તારાથી કશું નથી થતું.’ તે પેલા ઉતાવળ કરવા ગયા, તે ઉતાવળમાં પીન મારવા ગયા, તે પીન મહીં ભાંગી ગઈ એટલે ભઈ વધારે ચીઢાયા.
પછી ભઈએ શું કર્યું ? એમણે તો ગુસ્સે થઈને સ્ટવને ઊંચકીને બહાર ફેંકી દીધો હડહડાટ. સળગતો સ્ટવ ફેંકી દીધો. અને કપ-રકાબી હતા ને, તે એનેય લાત મારી ફેંકી દીધા.
આ તપસ્વી તો બહુ ક્રોધી હોય. ક્યારે શુંનું શુંય કરી નાખે ! શૂરે ચડે તો શું ના કરે ?
પ્રશ્નકર્તા: હા, એ બરાબર છે. શૂરે ચડ્યો શું ના કરે ?
દાદાશ્રી : પેલી અજ્ઞાનતા ને શૂર ચડે પાછા, તે બધું બહાર ફેંકી દીધું. તે મને હસવું આવ્યું.