________________
૧૯૬
જ્ઞાની પુરુષ (ભાગ-૧)
દાદાશ્રી : આ ભાઈ તો રાજેશ્રી ને એમને છૂટ હોય ને ! સિંહને તો છૂટ જ હોય ને બધી ? આ તો સિંહવંશનામાં તો છૂટ હોય ને?
પ્રશ્નકર્તા : હા, છૂટ હોય.
દાદાશ્રી : તે એય મોટાભાઈ ખૂબ દારૂ પીએ. તે પાંચ-દસ વર્ષ પૈસાની અડચણ પડેલી. એ પાંચ-દસ વર્ષ અમારા ભાઈના રાજમાં ભીડ પડેલી, બાકી પછી પૈસાની ભીડ નહીં પડેલી. પૈસો તો જ્યાં આગળ હાથ ઘાલું ને, તો પૈસો મળ્યા કરે. પૈસો તો ધંધામાં બધો બહુ આવતો હતો, પણ મોટાભાઈના પીવામાં બધો શી રીતે રહે? આવક બધી બહુ હતી પણ દારૂ હોય ને, ત્યાં ના શોભે પૈસો. અને ભઈ તો પચાસસો રૂપિયાનો રોજ દારૂ પીવે.
પ્રશ્નકર્તા : ઓહો !
દાદાશ્રી : અમારે તો મોટાભાઈને રોજ ચાલીસ-પચાસની શીશી જોઈએ. હવે શી રીતે પોસાય આ ધંધો અમારે ? શીશી પચાસની જોઈએ અને તે વિલાયતી, એય સારી રીતે પીવે-કરે. એ ઘરમાં શી રીતે રૂપિયો રહે તે ? કેટલી આવક હોય છે ? તે ૧૯૩૦-૩ર એ જમાનામાં.
પ્રશ્નકર્તા : પચાસ રૂપિયા તો બહુ કહેવાય, આજના પાંચ હજાર રૂપિયા.
દાદાશ્રી : એટલે આવક તો, તે પીતા'તા એમાં જતું રહેતું'તું બધું. પછી ઘર-બાર બધું ગીરો મૂકેલું. તરસાળીની જમીન હક ગીરો મૂકેલી. ગામની દસ વીઘા, તરસાળીની સાડા છ વીઘા, ઘર-બાર બધું ગીરવે.
બહુ વીત્યા પછી સ્વતંત્ર કર્યું ભાઈથી અલગ થઈ
ધંધામાં આવકેય ખરી તે દહાડે. કોન્ટ્રાક્ટનો ધંધો તે દહાડે તો બહુ સારો ગણાતો'તો. પણ પછી તાણ પડવા માંડી. અમારે મિલકતમાં દેવું થવા માંડ્યું. પછી મારે સ્વતંત્ર કરવું પડ્યું.
પ્રશ્નકર્તા : એ કઈ ઉંમરે, દાદા ?