________________
[૨.૨] મેટ્રિક ફેલ
૫૫
કોઈની કરું જ નહીં. મને જન્મ કંઈ લોકોની નોકરીઓ કરવા માટે આપ્યો નથી. મેં આ નાનપણમાં નક્કી કર્યું હતું કે નોકરી કરવાની હોય તો આ જીવનમાં એનો અર્થ જ નથી ને ! નૉનસેન્સ વસ્તુ છે એ. અમે તો નાનામાં નાની કશું પાન જેવી પણ દુકાન લઈને બેસીશું સ્વતંત્ર કે આપણે
જ્યારે બાર વાગે-એક વાગે જવું હોય ત્યારે આપણે ઘેર જઈને સૂઈ જઈએ, દુકાન વાસીને.
નોકરી કરવી એ તો મને બહુ મોટું દુઃખ લાગ્યા કરે. એમ ને એમ મરી જવું સારું, પણ નોકરી એટલે બૉસ મને ટૈડકાવે. મોટામાં મોટો રોગ આ ! પણ તે રોગે મને બચાવ્યો બહુ રીતે.
હું તો નોકરી કરનારો માણસ જ નહીં. મારાથી તો નોકરી કરાય જ કેવી રીતે ? નોકરી ફાવે જ નહીં. આ સૂબો બનાવો તોય મારે નોકરી નથી જોઈતી. તેથી જ મેં કહેલું કે, મારે સૂબો નથી થવું. લોક કારકુન થવાય ખુશ હતા અને મારે સૂબો થવાની ઈચ્છા ન હતી. કારણ કે મારો ધ્યેય શું? કે ગમે તે ખુમારી હો, પણ કોઈની સર્વિસ તો હું કરું જ નહીં. આઈ ડોન્ટ વોન્ટ ટૂ સર્વિસ એની બડી. સર્વિસ કરવાનો મારો ધંધો નહોય. હું પાનની દુકાન કરીશ પણ સ્વતંત્ર ધંધો કરીશ.
આટલી બધી તુમાખી ! કંઈ બેંકમાં રૂપિયા હતા ? ના, રૂપિયાબુપિયા નહીં, એવો રોફ મહીં તે ! પાછો કદરૂપો રોફ ! કેવો ? રૂપાળો રોફ હોય તો તો વાત જુદી છે, રોફેય પાછો કદરૂપો !
મેં તો દે જાણે ગયા અવતારમાં એવા ભાવ કરેલા કે આ જિંદગી લોકોને વેચાતી નહીં આપી દેવાની. વેચાય નહીં આવી સરસ જિંદગી ! એટલે “નોકરી તો કરીશ જ નહીં” એવું નક્કી કરેલું.
છેવટે પાનની દુકાન કાઢીશ પણ સ્વાશ્રયી રહીશ
છેવટે એક ભઈબંધ મને કહે છે કે નોકરી કર્યા વગર તું કરીશ શું ? મોટાભાઈ કાઢી મેલશે ત્યારે શું કરશો ? મેં કહ્યું, “હું તો મારે મરજીમાં આવે એટલો ધંધો કરીશ અને નહીં તો ઘેર આવીને સૂઈ જઈશ.