________________
[૩] એ જમાનામાં કરી મોજમજા
૭૩
પ્રશ્નકર્તા : રાજા-મહારાજાને ત્યાં ?
દાદાશ્રી : હા, સયાજીરાવ મહારાજને ત્યાં. તે અમે કો'ક દહાડો નવટાંકેક લાવીએ. તે પાછા ઘેર આવીને ચીરીઓ કરીએ, તે એક-એક પરવળની ત્રીસ-ચાળીસ ચીરીઓ બનાવીએ. અક્કલવાળાનું કામ એમાં. જાડી ચીરી કરે નહીં અને પછી મનમાં કહે, કે ‘હાશ, આજ તો પરવળનું શાક ખાધું, બે આનાનું નવટાંક.’ તેમાં ચાર માણસે ખાધું. આવા ફજેતા બધા. અત્યારે તો દસ રૂપિયે કિલો લાવો તોય એવું ના મળે. એ બધું છે જ નહીં, પહેલાંના જેવું ખાવાનું કશું છે જ ક્યાં ?
જેવી પૈસાની કિંમત, એવી માણસતી કિંમત
બે પૈસાની ર્સ્ટ ક્લાસ ચા આવે. એવી તે સરસ ! ત્રણ પૈસા આપીએ તો સ્પેશિઅલ આપે, ફર્સ્ટ ક્લાસ દૂધવાળી. અને ચાય કેવી ?
પ્રશ્નકર્તા : અત્યારે પીવા ન મળે એવી !
દાદાશ્રી : સાડા ત્રણ રૂપિયામાં પાંચ રતલનો પેલો ડબ્બો લિપ્ટન ચાનો. એ લિપ્ટનનો પેક ડબ્બો લે. એ ચાનો એક કપ પીધો હોય ને, તો ઘેન ચડે એક-બે કલાક તો. આ અત્યારે તો એવી ચા જ ક્યાં આવે છે ? આ તો ઠીક છે. એટલે ત્યારે પૈસાની કિંમત એટલી સરસ હતી. જો ને, હવે નાણાની કિંમત જ નહીં.
જ્યારે લક્ષ્મીના ભાવની કિંમત વધી જાય, એની સાથે માણસના ભાવની કિંમત વધી જાય. જ્યારે લક્ષ્મીનો ભાવ વધે ત્યારે આ રૂપિયો રૂપિયા જેવું ફળ આપે, ત્યારે આ માણસો સારા થશે. અત્યારે આ રૂપિયો ફળ જ નથી આપતો ને ! અમારે તો કોન્ટ્રાક્ટનો ધંધો, તે સાત ભાઈબંધોને આખો દહાડોય ચા પાઈએ, ઘોડાગાડીમાં-બગીમાં બેસાડીએ. આખો દહાડો બધા જોડે ને જોડે ફર્યા કરીએ, બે જ રૂપિયામાં ! અને અત્યારે સોએ પૂરું ના થાય. એવી મજા ના આવે. અત્યારે એવા ઘોડા જ જોવામાં નથી આવતા ને ! એ જે ઘોડાગાડીમાં અમે બેઠેલા ને, એવા ઘોડા અત્યારે જોવામાં નથી આવતા. ઘોડા આમ રાજશ્રી જેવા દેખાય ! એટલે બધુંય ગયું હવે.