________________
[3] એ જમાનામાં કરી મોજમજા
બે રૂપિયામાં બાદશાહ જેવી સાહેબી પ્રશ્નકર્તા : દાદા, આપની ધંધા વખતની વાત કરો ને.
દાદાશ્રી : ધંધા પર આવ્યો ત્યાર પછી અમને પૈસાની ભીડ નહોતી પડતી. ઘેર તો પૈસાની ભીડ જોયેલી. કોન્ટ્રાક્ટનો ધંધો, તે લોકોનું ઉધાર લાવવાનું અને સરકાર આપણને રોકડા આપે. પછી ધંધા પર શેની ભીડ હોય, ભઈ ? આપણે ત્યાં ભીડ હોય કે પેલા ઉધારવાળાને ત્યાં ?
પ્રશ્નકર્તા : ઉધારવાળાને ત્યાં.
દાદાશ્રી : હા, આપણે ત્યાં શેની ભીડ હોય ? એટલે અમારા કોન્ટ્રાક્ટના ધંધામાં ભીડ નહીં. એટલે ગજવામાં રૂપિયા પડ્યા હોય અને બે રૂપિયા હોય તો છ-સાત ભાઈબંધો પાછળ ફર્યા કરતા હોય આખો દહાડોય. કારણ કે ચા-પાણી-નાસ્તા બધું થાય. બે રૂપિયામાં તો સાંજ સુધીમાં બધું, ભયો ભયો થઈ ગયો ! અત્યારે તો બસ્સો રૂપિયા લઈએ તોય ના થાય.
અમે ૧૯૨૫-૨૬માં બે રૂપિયા લઈને નીકળતા'તા ને, તે છ-સાત ભાઈબંધ જોડે જ ફર્યા કરે આખો દહાડો. તોય સાંજે રૂપિયો ખૂટે નહીં.
અમારે તો ગજવામાં બે-એક રૂપિયા વાપરવાના હોય ને ?