________________
જ્ઞાની પુરુષ (ભાગ-૧)
પૂરો થઈ ગયો છે. જો હિસાબ અધૂરો રાખીએ તો હિસાબ કાચા રહે. અમે તો નિરાંતે જમવા દેતા'તા. તે જમીને કંઈ મારા ઈઠ્યોતેર વર્ષ લઈ ગયા એ ? છીએ ને ઈઠ્યોતેર વરસે નિરાંતે !
૧૩૬
જાગતા કરડવા દીધા તે જ્ઞાન પ્રગટ થયું
પ્રશ્નકર્તા : આપના જેવી ક્ષત્રિયતા ના હોય અમને, તે કરડવા ના દઈએ તો બીજો કોઈ ઉપાય કરાય ?
દાદાશ્રી : માંકણ કૈડે તો એના બીજા ઉપાય શું પણ ? એને આપણે બહાર નાખી આવો. તમને શંકા પડે છે કે આ મને કૈડી જશે, માટે તમે બહાર નાખી આવો. બાકી જગત શંકા રાખવા જેવું છે નહીં. તમારે ન અનુકૂળ આવે તો વીણીને બહાર નાખી આવો અને હું તો વીણતોય નહોતો. તે પછી આખી રાત મારી જાગૃતિમાં જ જતી'તી એ માંકણને લીધે, છતાં કંટાળ્યો નથી. અમને માંકણ કૈડતા’તા ને, તે અમે કોઈ દહાડો બહાર નથી નાખ્યા. અમે કૈડવા દીધેલા, પણ તમને એટલી બધી શક્તિ નહીં આવે. એટલા માટે તમને એમ નથી કહેતો. તમારે તો માંકણ પકડી અને બહાર નાખી આવવા. એટલે તમને મનમાં સંતોષ થાય કે આ માંકણ બહાર ગયો.
અમે તો ટાઢ વાય શિયાળાના દહાડે, તો જરા ઊંઘ આવી હોય તો પેલું ઓઢેલું પાછું કાઢી નાખીએ ધીમે રહીને. પછી એ જ જગાડે. તે પછી જ્ઞાનીને કો'ક જગાડે નહીં તો એમને કશું જોઈએ ને ? કો'કને ઘેર ગેસ્ટ હોય તો જગાડે. ગેસ્ટ જોયેલા તમે ? એક-બે માંકણ ભરાઈ ગયા હોય તો તે જગાડે. હું સમજું કે સારું થયું, કલ્યાણ કર્યું, એ ઊઠાડે એ સારું. એ ગેસ્ટ કહેવાય. એ કશું લઈ ના જાય જોડે, ભરપટ્ટે જમીને જાય. કો'ક દહાડો જોયેલા નહીં ? અમારેય કો'ક દહાડો વારો આવે, પણ હવે મને અડતા નથી.
તે આ નીરુબેન કહે છે, ‘મહીં માંકણ દેખાય છે.’ મેં કહ્યું, ‘તમને ઠીક લાગે એ કરજો, વીણજો.’ ત્યારે કહે, ‘એક દહાડો બધું કાઢી નાખીએ તો ?’ મેં કહ્યું, ‘ના, એવું ના કરશો. છોને જમે બિચારા. છે તો જમે છે. મડદું થયા પછી ના જમે.'