________________
[૫.૨] પૂર્વેના સંસ્કાર થયા જાગ્રત, માતા થકી
કે હદ ખરી કે નહીં ?’ ત્યારે બા કહે, ‘તારી આવી વાતો સાંભળવી મને બહુ ગમે છે, તોય એ તો દાતણ તો કરવું પડે ને !’
બાતું મત તા દુભાય, માટે ત્રણ-ત્રણ વખત ખાતો પ્રશ્નકર્તા : દાદા, તમેય બાને બહુ સાચવતા ને ?
૧૫૧
દાદાશ્રી : હું વડોદરામાં બહાર નીકળું તો મારું સર્કલ એવું તે કોઈ જગ્યાએ ફ્રેન્ડને ત્યાં ગયો હોય, તે ફ્રેન્ડને ત્યાં કોઈ ગેસ્ટ આવ્યા હોય તો કહે કે ‘આજ તો જમવા બેસી જ જાવ. તમારે બેસવું જ પડે, ચાલે જ નહીં. આજે આ એકદમ જ નવી જાતની કેરી લાવ્યા છીએ, તમે બેસી જાવ.’ તે પેલો મંડે એટલે પછી એને ના પાડું નહીં. ત્યાં એક પૂરી ને આટલો રસ જરા જરા ત્યાં ખઉ. અને હું કહું કે ‘મારી તબિયત જરાક નથી સારી, તબિયત બરાબર નથી.’ તે ત્યાં આટલા પ્રમાણમાં લઉ.
પછી બીજી જગ્યાએ ઓળખાણવાળો હોય ત્યાં ગયો તો કહે, ‘આજ તો તમે જમીને જાવ.' તે ફરી કોઈ દહાડો તાલમાં આવ્યો હોય તો બીજી જગ્યાએય ખઈ લઉ, પણ પહેલેથી હું લઉ આટલું જ. હું જાણું કે આ તો બધો ખેલ છે આપણો.
પછી ઘેર આવું ત્યારે બાની જોડે જમવાનું જ, નહીં તો બા જમ્યા વગર બેસી જ રહ્યા હોય! અને પાછો ઘેર આવું ને ના ખાઉ તો બાને ખોટું લાગે. બા કહે, ‘તું મારી જોડે ખાતો નથી, હું તારી જોડે ખઉ.’ એટલે પાછો બા જોડે ખઉ!
પ્રશ્નકર્તા ઃ તે બા જોડે ના ખઈએ તો ના ચાલે ?
દાદાશ્રી : ના, એ તો હું ના ખાઉ તો બાનું મન દુખાય. એટલા માટે તો હું પેલાને ત્યાં થોડું થોડું ખઉ, આટલું આટલું અને ઘેર આવીને થોડુંક ખઉ. નાનપણથી આવો પ્રયોગ કરેલો. બપોરે જમવાનું એક વખત હોય તેને બદલે ત્રણ વખત ખાતો'તો, હું. એક જગ્યાએ સાડા અગિયાર, બીજી જગ્યાએ બાર, ત્રીજી જગ્યાએ સાડા બારે જમતો હતો.