________________
૧૫૪
જ્ઞાની પુરુષ (ભાગ-૧)
કહે, “મને આંખે દેખાય છે ત્યાં સુધી મને કશું હરકત નથી.” અને થોડું ખવાય, હરાય-ફરાય નહીં, તે હું પાસે બેઠો બેઠો શું કરું ? રોજ સહજાત્મ સ્વરૂપનો મંત્ર બોલાવ્યા કરું. હું બોલાવું તો એ બોલ્યા કરે. મને જ્ઞાન થયેલું નહીં તે વખતે. આમ તો એમના મનમાં ઈચ્છા એવી કે મારે આંખો હજુ સારી છે એટલે મારે વાંધો નથી. મેં એક ફેરો પૂછેલું, ‘બા, જવું છે હવે ?' ત્યારે કહે, “ના, શરીર સારું છે. મારી આંખો-બાંગો સારી છે.” એટલે હું સમજી ગયો કે મહીં દાનત નથી એમની જવાની. “મને આ ગોઠી ગયું છે” કહે છે. ચોર્યાસી વર્ષ થયા, આટલા ગપોટિયા તોય છે તે હજુ ‘ગોઠી ગયું' એ છૂટતું નથી.
હવે મને તો માતૃપ્રેમ હોય જ ને? માતૃભક્તિ હોય ને ? પણ શા માટે ? આ તટસ્થ રીતે હું જોઉં કે ઓહોહો ! મનુષ્યોના સ્વભાવ કેવા હોય છે ! કેવા મોટા, મહાન ! આવડા મોટા નોબલ માઈન્ડના હતા, હવે તે પણ કહે છે કે “મારે તો હજુ આંખો સારી છે ને !' એટલે મેં કહ્યું, ‘દાનત છે એમની જીવવાની.” આગવી શોધખોળ દાદાની, “આજે બાએ સહી કરી !'
આ તો શોધખોળ કર્યા કરું રોજ, દરેક બાબતમાં શોધખોળ કરતો'તો. એટલે મારે ત્યાં અમારા મામાના દીકરા રાવજીભાઈ આવ્યા હતા. ઉંમરમાં મારાથી ચાર-પાંચ વર્ષ નાના હતા. એટલે હું અને રાવજીભાઈ, અમે બેઉ એક દહાડો બહાર સાથે સૂતા હતા જોડે જોડે.
અમે તો રાતે બાર વાગેલા, તે સૂઈ ગયેલા. તે અમારા બાને છે તે એક દહાડો રાત્રે બાર-એક વાગ્યો હશે ત્યારે કંઈક ચૂક આવી હશે, એટલે એ ધીમે રહીને બોલવા માંડ્યા, અંદર. તે રાતે એક વાગે હું જાગી ગયો ત્યારે એ મહીંથી બોલતા'તા, “હે ભગવાન, હવે તું લઈ લે મને. હવે છૂટાય તો સારું ! હવે છોડ.” એટલે પછી મેં રાવજીભાઈ જોડે સૂતા'તા, તેમને ઊઠાડ્યા તે ઘડીએ ગોદા મારીને. મેં કહ્યું, “જુઓ, આ બાએ સહી કરી આપી ! હું રોજ કહું છું સહી, તે આજ સહી કરી આપી. સાંભળજો.”
તે બા ફરી બોલ્યા, “હે ભગવાન ! તું લઈ લે.” બે વખત બોલ્યા.