________________
૧૫૬
જ્ઞાની પુરુષ (ભાગ-૧)
અસહ્ય દુઃખ વખતે સહી થઈ જાય છૂટવાની
એટલે કોઈ પણ માણસ સહી કર્યા વગર મરી શકે નહીં. એ કંઈ બીજા કોઈનો કાયદો નથી. મૂળ ધણીની સહી જોઈએ, ધણીની સહી સિવાય મરાય નહીં. આપણા લોક સહી કરી આપે ત્યાર પછી મરવાના ! ત્યારે લોકો શી રીતે સહી કરી આપે ? લોકો સહી કરી આપતા હશે ? ત્યારે લોકો કહે છે, “અમે એવા કંઈ કાચા નથી, સહી કરી આપીએ !” અલ્યા મૂઆ, એવો દુખાવો ઊપડશે, એવો દુખાવો ઊપડશે કે તું કહું કે ભઈ સાબ, હવે છૂટી જવાય તો સારું.” એ પોતે જ કહેશે. એની સાથે સહી થઈ ગઈ. સહી કર્યા વગર ના થાય. આ છાતીમાં હાર્ટ ફેલ થવાની તૈયારી થાય ને, તો એવો દુખાવો થાય, તે કહે, “છૂટાય તો સારું, છૂટાય તો સારું.” તે તરત સહી ને તરત ઉકેલ.
પ્રશ્નકર્તા: પણ આ દાઝી ગયા હોય કે એક્સિડન્ટ થયો હોય..
દાદાશ્રી : હા, તેની મહીં સહી કર્યા વગર રહે નહીં. અંદર ભાવ થાય કે આ સહન નથી થતું અને છૂટી જઉ તો, છૂટાય તો સારું આનાથી, આ દુઃખથી મુક્ત થવાય તો સારું.” એ દુ:ખથી મુક્ત થવું એનું નામ સહી કરી આપી.
સહી થયા પછી જ આવે મરણ આવી રીતે (કુદરત) સહી કરાવી લે છે. સહી કર્યા વગર જાય જ નહીં. ખરેખર તમારા માલિક કોણ છે ? તમારો ઉપરી કોઈ નથી. સિગ્નેચર આ ઈન્કમટેક્ષમાં નથી લેતા ? બધામાં સિગ્નેચર. અહીંયા પરદેશમાં આવવું-કરવું હોય તો પાસપોર્ટમાંય સહી જોઈએ. જન્મ થતી વખતેય સિગ્નેચર વગર તો જન્મ જ ના થાય, તો આ કંઈ કોઈના બાપનું છે તે આપણને લઈ જાય ત્યાં આગળ ? નિયમરાજ તો કાયદો છે, એ આપણી સહીથી હલકી છે વસ્તુ. આપણી સહી હોય તો જ નિયમરાજા આવે. આ જમરા નથી, નિયમરાજ છે. યમરાજ નહોય. આપણી સહી વગર શી રીતે આમ ને આમ ખસે ? તમને સમજાઈ આ બાબત ?