________________
[૫.૨] પૂર્વેના સંસ્કાર થયા જાગ્રત, માતા થકી
ને શાક મૂકો, મારી આબરૂ જતી નથી. હું આબરૂ કરવા નથી આવ્યો કે મારે ત્યાં આવી રસોઈ જોઈએ ને આમ જોઈએ. એ અમારે ત્યાં કાયદો. અને આપણા લોકો આબરૂદાર એટલા બધા તે સવારમાં શિખંડ-પૂરી હઉ ખવડાવે. શિખંડ ખવડાવે કે ? આબરૂદાર જુએને, આબરૂદાર ! શા માટે આવું કરો છો ? શિખંડ-પૂરીનો પાછો રોફ તો પાડવો છે. મેં બાને કહી દીધું, મારે રોફ પાડવો નથી. અહીં સગાંવહાલાં, જમાઈ આવે તો તમને જે અનુકૂળ આવે તે મૂકજો પણ પ્રેમથી ખવડાવો.
૧૪૫
પ્રશ્નકર્તા : સમજમાં આવ્યું.
દાદાશ્રી : વિચાર બગડવો નહીં જોઈએ બિલકુલ, આર્તધ્યાનરૌદ્રધ્યાન ન થવું જોઈએ. ભલે આવો બા, ઘર તમારું છે. પોલિશ કરવાનું નહીં આપણે, પોલિશ બિલકુલ નામેય જોઈએ નહીં. સાહજિક. જે હોય તે મૂકો. શાક ના હોય તો ના મૂકશો, અથાણું કાઢી આપજો. ખુલ્લું કહી દેજો કે શાક આજે નથી ભઈ, ચાલશે ? અને પ્રેમથી મૂકજો. રોટલો ખાવા તૈયાર છે જગત. જગત પ્રેમથી જે આપો તે ખાવા તૈયાર છે. આ લોકો જમણ જમાડે છે એનાથી કંટાળી ગયા છે. પ્રેમનો રોટલો લોકોને પસંદ છે. માટે પ્રેમથી રાખેલું બહુ થઈ ગયું.
જગત પ્રેમ ખોળે છે,
વસ્તુ નહીં
પ્રેમની જરૂર છે, બીજી કશી જરૂર નથી. જગત પ્રેમ ખોળે છે, વસ્તુ ખોળતા નથી. હવે તું ત્યાં રસોઈ માગું છું ? પ્રેમ તારા પર રાખે એટલે તને લાગે કે બહુ સારું છે. કંઈ વગોવું નહીં ને, ખીચડી-કઢી ખવડાવે તોય ? હા, અને વગોવે તેનોય વાંધો નહીં. એ તો ગમે તે હોય તોય પણ પ્રેમથી ખવડાવો. હા, માણસને ભૂખના ટાઈમે ખોરાક જોઈએ. શું એને ઘેર ખીચડી-કઢી નથી ખાતો, તે આપણે ત્યાં ના ખાય ? એને ત્યાં રાતે ખાતો હોય, તો આપણે દહાડે ખવડાવીએ. જે હોય તે મૂકવાનું, હાજર સ્ટૉક જે હોય તે. આપણે પ્રેમ એ જ જમણ.
પ્રશ્નકર્તા : સ્ટૉક જ ન હોય તો ?
દાદાશ્રી : શેનો ?