________________
૧૪૨
જ્ઞાની પુરુષ (ભાગ-૧)
બા, તે આવું કહે. મોઢે પાછા સરસ બોલાવે કે “આવો પધારો', આંખ્યું સરસ રાખીને, પણ મનમાં “આ રડ્યા અત્યારે કંઈથી આવ્યા ?'
મેં કહ્યું, “આવું ? શું બોલ્યા આ ?” ધીમે રહીને કહ્યું. પેલા તો બહાર બેઠેલા. મેં કહ્યું, “આ તમે ? તમે મને શિખવાડો આવું, ના શોભે આવું.” એટલે પછી તરત વળી ગયા. ‘નહીં, કશું નહીં કહે. એટલે હું સમજી ગયો, એમનો કંઈ દોષ નથી. ‘હવે આ બધા થાકેલા છે, મનમાં થાકેલા છે. બીજો કંઈ ભાવ બગડ્યો નથી આ.”
ઝટપટ સહેલું સટ્ટ બતાવ્યું જમવાનું, દાદાએ
એટલે બાને તે ઘડીએ તો મેં કશું કહ્યું નહીં. તે ઘડીએ લેટ-ગો કર્યું. પેલા બહાર બેઠા હતા ને ! એટલે પછી મેં આ બધાને કહી દીધું ખાનગીમાં, ‘તમે સૂઈ જાઓ નિરાંતે બધા. તમે જરાક આરામ કરો. આજે મને બનાવી આપવા દો આ લોકોને.”
તે પછી મેં કહ્યું, “હું બધું કરી આપીશ. તમે આરામ કરો. સાદું કરીશ, બહુ ત્યારે રોટલી નહીં કરું, શીરો કરી આપીશ. મને તો આવડે, શીરો છે, શાક છે, ખીચડી ને બીજું એવું આડા-અવળું રાગે પાડી દઈશ. એનું મને આવડશે, તમે કંટાળશો નહીં. તમે આ ભાંજગડમાં દાળ ચઢાવવા મૂકશો ને ભાત ચઢાવો, એય તમારાથી પૉઝિટિવલી થશે નહીં પાછું. અને હું તો આ સમજાવી દઈશ કે મામા, જમી લો, હંડો આપણે ઝટપટ, તમે ભૂખ્યા થયા હશો. પછી બહુ મોડું થાય.” શીરો છે, શાક છે, બીજું એમને કરી આપીએ એટલે કંટાળે નહીં પછી. શીરો મુકીએ એટલે ખુશ થઈ જાય આપણા લોકો. અને શાક ફર્સ્ટ ક્લાસ બટાકાનું તળીને કરી આપીએ, ખુશ ખુશ થઈ જાય. ત્યારે શું કરે છે ?
પ્રશ્નકર્તા: તો આપે બનાવ્યું?
દાદાશ્રી : હા, તે પછી મેં બનાવી આપ્યું. મારી-ઠોકીને શીરો-બીરો હલાવી કરીને આપ્યો બધો. આમ છે તો થોડી કઢી હલાવી નાખી, આટલો શીરો બનાવેલો ને થોડીક ખીચડી મૂકી દીધી. અને દાળ-ભાત રામ તારી